રાજ્ય સરકાર દ્વારા યોગ સમર કેમ્પનો પ્રારંભ

ગાંધીનગર: ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આગામી 20મી મે થી 29મી મે સુધી રાજ્યના તમામ જિલ્લાઓમાં 200 જેટલા સમર યોગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં 7 વર્ષથી લઈને 15 વર્ષના બાળકો ભાગ લે છે. ગત વર્ષે ઓછામાં ઓછા 75 બાળકો સાથે સમગ્ર રાજ્યમાં 100 જેટલાં સ્થળો પર નિઃશૂલ્ક યોગ સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્ષે પણ ઓછામાં ઓછા 100 બાળકો સાથે 200 જેટલાં સ્થળો પર આ સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેના શુભારંભમાં આજે 20,000 બાળકોએ ભાગ લીધો હતો.

કેમ્પનો હેતુ બાળકોને દૈનિક જીવનમાં યોગનું મહત્વ સમજાવવા અને એક નિરોગી ભવિષ્યનું નિર્માણ કરવાનો છે. બાળકોને કેમ્પમાં યોગના વિવિધ આસનો, પ્રાણાયામ અને ધ્યાનની પદ્ધતિઓ શીખવાડવામાં આવશે. આ કેમ્પમાં બાળકોને યોગના આધારભૂત તત્વો અને તેના ફાયદાઓ વિશે વિસ્તૃત જ્ઞાન આપવામાં આવી રહ્યું છે.