ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 : ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની પડઘમ વાગી રહ્યા છે. તમામ પાર્ટીઓ મેદાનમાં ઉતરી ગઈ છે. ચૂંટણીપંચ દ્વારા ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખોની જાહેરાત કરી દેવામાં આવી છે. તો બીજી તરફ તમામ પક્ષો દ્વારા ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી રહી છે. તો સાથે સાથે પક્ષપલટાની પણ મોસમ ચાલી રહી છે. ઘણા નેતા પક્ષપલટો કરી રહ્યા છે. ત્યારે હાલમાં સમાચાર મળી રહ્યા છે કે બે દિવસ પહેલા ટિકિટ ન મળવાના કારણે આમ આદમી પાર્ટીમાં જોડાયેલા ભાજપના નેતા કેસરીસિંહ સોલંકીએ ફરી ઘર વાપસી કરવા સંકેત આપ્યા છે.
મળતી માહિતી મુજબ માતરના પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીની નારાજગી દૂર થઈ છે. કેસરીસિંહ સોલંકીને ટીકીટ ન મળવા ના કારણે બે દિવસ પહેલા જ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. તેમના ફેસબુક એકાઉન્ટ માં ફોટો મૂકી તેઓ ભાજપ સાથે જ છે તેવા સંકેતો આપ્યા છે.ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈ ભાજપે 166 ઉમેદવારો જાહેર કર્યા છે. જ્યારે 16 ઉમેદવારોની પસંદગીનું કોકડું ગુંચવાયું છે. ઉમેદવારોની જાહેરાત બાદ ભાજપમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. જેના પગલે અનેક જગ્યાએ સમર્થકો પણ નારાજ જોવા મળી રહ્યા છે.