રાજીવ ગાંધી હત્યાકાંડની દોષી નલિની શ્રીહરન 31 વર્ષ બાદ જેલમાંથી મુક્ત

ભૂતપૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધીની હત્યાના દોષિત નલિની શ્રીહરનને શનિવારે, 12 નવેમ્બર, 2022 ના રોજ જેલમાંથી મુક્ત કરવામાં આવી હતી. શુક્રવારે, 11 નવેમ્બરના રોજ, સુપ્રીમ કોર્ટે હત્યા કેસમાં તમામ છ દોષિતોને મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો. નલિની શ્રીહરનને જેલમાંથી મુક્ત કરતા પહેલા તમિલનાડુની વેલ્લોર પોલીસે નિયમિત પ્રક્રિયા હાથ ધરી હતી.જેલમાંથી મુક્ત થતાં પહેલા નલિની આજે સવારે વેલ્લોર પોલીસ સ્ટેશન પણ ગઈ હતી. જ્યાં તેણે પેરોલની શરતો હેઠળ તેની હાજરી નોંધાવી હતી. દિવસ દરમિયાન તેનો એક વીડિયો પણ સામે આવ્યો હતો જેમાં પોલીસ તેને વાનમાં લઈ જઈ રહી હતી. તેણે અકાળે મુક્તિ માટે દેશની સર્વોચ્ચ અદાલતનો સંપર્ક કર્યો હતો. કોંગ્રેસે મુક્તિના આ નિર્ણયને દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યો છે. નલિનીએ પોતાના વિશે કહ્યું કે તે આતંકવાદી નથી.

બંધારણની સત્તાનો ઉપયોગ કર્યો

અગાઉ તમિલનાડુ સરકારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે તે નલિની શ્રીહરન અને આરપી રવિચંદ્રનની અકાળે મુક્તિની તરફેણમાં છે. જેઓ રાજીવ ગાંધી હત્યા કેસમાં આજીવન કેદની સજા કાપી રહ્યા છે. મદ્રાસ હાઈકોર્ટ દ્વારા અરજી ફગાવી દેવામાં આવ્યા બાદ તેણે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો. જસ્ટિસ બીઆર ગવઈ અને જસ્ટિસ બીવી નાગરત્નની બેન્ચે અન્ય દોષિત એજી પરિવલનના કેસમાં સુપ્રીમ કોર્ટના નિર્ણય પર આધાર રાખ્યો હતો. 18 મેના રોજ, બંધારણની કલમ 142 હેઠળની સત્તાઓનો ઉપયોગ કરીને પરિવલનને મુક્ત કરવાનો આદેશ આપ્યો. નલિની ઉપરાંત તેના પતિ વી. શ્રીહરન ઉર્ફે મુરુગન, આર.પી. રવિચંદ્રન, સંથન, રોબર્ટ પાયસ અને જયકુમારને રિલીઝ કરવામાં આવનાર છે. શ્રીહરન, સંથન, રોબર્ટ અને જયકુમાર શ્રીલંકાના નાગરિક છે જ્યારે નલિની અને રવિચંદ્રન તમિલનાડુના છે.