ગાંધીનગર: ગુજરાત સરકારે નશીલા પદાર્થોના દૂષણને રાજ્યમાંથી જડમૂળથી ઉખાડી ફેંકવા માટે કમર કસી છે. ડ્રગ્સના વેપાર અને દુરુપયોગ સામે ‘ઝીરો-ટોલરન્સ’ નીતિને વધુ આક્રમક બનાવતા ગુજરાત પોલીસ વડા (DGP) જી.એસ. મલિકે રાજ્યવ્યાપી એન્ટી-ડ્રગ્સ અભિયાન ચલાવવાનો આદેશ આપ્યો છે. આ અંતર્ગત રાજ્યના ડ્રગ્સ વિરોધી માળખામાં એક મોટો નીતિગત ફેરફાર કરવામાં આવ્યો છે.
સ્થાનિક પોલીસ સ્ટેશનોને મળી મોટી જવાબદારી
અત્યાર સુધી નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટાન્સિસ (NDPS) એક્ટ હેઠળના ગુનાઓ શોધવાની જવાબદારી મુખ્યત્વે ક્રાઇમ બ્રાન્ચ અને સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રુપ (SOG) સંભાળતી હતી. પરંતુ હવે, નવા આદેશ અનુસાર રાજ્યના તમામ સ્થાનિક પોલીસ સ્ટેશનોએ પોતાના વિસ્તારમાં સક્રિય થઈ ડ્રગ્સના કેસો શોધવા, પકડવા અને નોંધવાના રહેશે. જો કોઈ સ્થાનિક પોલીસ સ્ટેશનની હદમાં બહારની એજન્સી આવીને ડ્રગ્સ પકડશે, તો તે વિસ્તારના જવાબદાર પોલીસ અધિકારીઓ સામે કડક પગલાં લેવામાં આવશે.
સપ્લાય ચેઇન તોડવા વ્યસનીઓની પણ પૂછપરછ
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં લેવાયેલા આ નિર્ણયો હેઠળ, પોલીસને ઓછી માત્રામાં ડ્રગ્સ મળવાના કિસ્સામાં પણ કડક કાર્યવાહી કરવા જણાવાયું છે. ડ્રગ્સ નેટવર્કની મૂળ સુધી પહોંચવા માટે પકડાયેલા વ્યસનીઓની પણ વિસ્તૃત પૂછપરછ કરવામાં આવશે, જેથી મુખ્ય સપ્લાયરો અને પેડલરોની ઓળખ કરી મોટા ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ કરી શકાય.
કાઉન્સેલિંગ, પુનર્વસન અને પ્રોત્સાહન
કાયદાના કડક અમલની સાથે ગુજરાત પોલીસે માનવીય અભિગમ પણ અપનાવ્યો છે. નશાની લતનો ભોગ બનેલા લોકોના કાઉન્સેલિંગ અને પુનર્વસન (Rehabilitation) માટે પોલીસ વિભાગ સહયોગ પૂરો પાડશે. બીજી તરફ, જે પોલીસ કર્મચારીઓ આ અભિયાન અંતર્ગત પ્રશંસનીય કામગીરી કરશે અને મોટા પ્રમાણમાં ડ્રગ્સ નેટવર્ક પકડશે, તેમને યોગ્ય ઇનામો અને વિશેષ સન્માન આપી પ્રોત્સાહિત કરવામાં આવશે.






