છેલ્લા ત્રણ નાણાકીય વર્ષમાં ગુજરાતે 14 લાખ કરોડથી વધુના પ્રોજેક્ટ્સ આકર્ષ્યા

અમદાવાદ: MSME એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ દ્વારા “ગુજરાત-રોકાણ, વૃદ્ધિ અને વિકાસ 2020-21થી 2023-24” પર તાજેતરમાં એક અભ્યાસ પૂર્ણ કરવામાં આવ્યો છે. જે અનુસાર ગુજરાતે છેલ્લા ત્રણ નાણાકીય વર્ષ (2021-22 થી 2023-24)માં રૂ. 14,00,175 કરોડના નવા રોકાણ પ્રોજેક્ટ્સ સફળતાપૂર્વક આકર્ષ્યા છે અને રૂ. 1,89,327 કરોડના ચાલુ પ્રોજેક્ટ્સ પૂર્ણ કર્યા છે.સેન્ટર ફોર મોનિટરિંગ ઓફ ઇન્ડિયન ઇકોનોમી (CMIE) દ્વારા 3 ફેબ્રુઆરી, 2025ના રોજ આપવામાં આવેલી માહિતી અનુસાર, નાણાકીય વર્ષ 2020-21 દરમિયાન નવા રોકાણ પ્રોજેક્ટ્સ પ્રાપ્ત થયા હતા. જે રૂ. 1,42,909 કરોડ હતા. ત્યાર બાદ વર્ષ 2021-22માં નવા રોકાણ રૂ. 5,67,758 કરોડ, વર્ષ 2022-23માં રૂ. 2,04,133 કરોડ અને 2023-24માં રૂ. 6,28,284 કરોડના હતા. આ વર્ષો દરમિયાન પૂર્ણ થયેલા રોકાણ પ્રોજેક્ટ્સ અનુક્રમે રૂ. 19,602 કરોડ, રૂ. 32,260 કરોડ, રૂ. 74,269 કરોડ અને રૂ. 82,798 કરોડના હતા.

ગુજરાત સરકારના સર્વેક્ષણ અહેવાલ મુજબ, ટેકનિકલ ટેક્સટાઇલ એક મુખ્ય ઉભરતું ક્ષેત્ર છે. જેમાં રાજ્યમાં 860થી વધુ એકમો છે. વિશ્વના પ્રોસેસ્ડ હીરાના હિસ્સામાં રાજ્યનો હિસ્સો લગભગ 72% છે અને ભારતમાં પ્રોસેસ્ડ હીરાના 80%થી વધુ હિસ્સો છે. ભારતમાં ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્રમાં કુલ રોકાણમાં રાજ્યનો હિસ્સો પહેલાથી જ સૌથી મોટો છે.

અભ્યાસનું વિમોચન કરતા, MSME નિકાસ પ્રમોશન કાઉન્સિલના અધ્યક્ષ ડૉ. ડી.એસ. રાવતે જણાવ્યું હતું કે, નાણાકીય વર્ષ 2023-24 દરમિયાન કુલ રોકાણ પ્રોજેક્ટ્સ રૂ. 26,87,734 કરોડના બાકી હતા અને રૂ. 14,48,308 કરોડના અમલીકરણ હેઠળ હતા. તેમજ રૂ. 17,676 કરોડના બાકી પ્રોજેક્ટ્સ પુનઃજીવિત થયા હતા. 2023-24માં રાજ્યમાંથી નિકાસ રૂ. 11,13,729 કરોડ થઈ છે જે 2022-23માં રૂ. 12,02,494 કરોડ હતી.

ડૉ. રાવતે વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાત વૈશ્વિક રોકાણકારો માટે એક આકર્ષક રોકાણ સ્થળ બની ગયું છે. કારણ કે તે તેની મજબૂત માળખાગત સુવિધાઓ, કુશળ પ્રતિભા પૂલ અને મજબૂત નાણાકીય નીતિઓના રૂપમાં વિપુલ તકો પ્રદાન કરે છે. જેમ-જેમ રાજ્ય વિકાસના નવા યુગની શરૂઆત કરી રહ્યું છે, તેમ-તેમ તેની સંચાલક સંસ્થાઓને વ્યૂહાત્મક વિકાસને પ્રોત્સાહન આપતી નીતિઓ બનાવવા અને અમલમાં મૂકવાનું કામ સોંપવામાં આવ્યું છે.

અભ્યાસમાં સૂચવવામાં આવ્યું છે કે આ નીતિઓ આકર્ષક બજારોને ઓળખવા અને પ્રોત્સાહન આપવા, સૂક્ષ્મ, નાના અને મધ્યમ ઉદ્યોગોને પ્રોત્સાહન અને ટેકો આપવા, ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહન આપવા અને ટકાઉ ઉત્પાદન પ્રક્રિયાઓને પ્રોત્સાહન આપવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. રાજ્યમાં MSME એ સ્થાનિક અર્થતંત્રને મજબૂત બનાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી છે અને હાલમાં લગભગ 11.26 લાખ નોંધાયેલા MSME છે. જે રાષ્ટ્રીય સ્તરે નોંધાયેલા કુલ 1.48 કરોડ MSMEના 7.5% છે. જો કે, ટેકનોલોજી, બજાર અને નાણાકીય બાબતો જેવી અનેક સમસ્યાઓને કારણે મોટી સંખ્યામાં સૂક્ષ્મ અને નાના એકમો અસ્તિત્વ માટે સંઘર્ષ કરી રહ્યા છે.