GST બેઠકઃ આરોગ્ય અને જીવન વીમા પ્રીમિયમ પર કોઈ રાહત નહીં

GST કાઉન્સિલની બેઠકમાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. રાજસ્થાનના જેસલમેરમાં ચાલી રહેલી આ બેઠકમાં કેટલાક મહત્વના મુદ્દાઓ પર નિર્ણય લેવામાં આવ્યો નથી. મંત્રીઓના જૂથે આરોગ્ય અને જીવન વીમા પ્રિમીયમ પર GST ઘટાડવાનો પ્રસ્તાવ મૂક્યો હતો, જેના પર હાલમાં કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. જીએસટી કાઉન્સિલની આગામી બેઠકમાં આ અંગે વિચારણા કરવામાં આવશે.

એવું કહેવામાં આવી રહ્યું છે કે GST કાઉન્સિલની 55મી બેઠકમાં આ મહત્વપૂર્ણ મુદ્દા પર કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી કારણ કે તેના પર વધુ સ્પષ્ટતાની જરૂર છે. કાઉન્સિલે ગ્રૂપ ઓફ મિનિસ્ટર્સ (GOM)ને તેના રિપોર્ટને વધુ વ્યાપક બનાવવા માટે વધારાની માહિતી સામેલ કરવા કહ્યું છે. આ સમાચાર સામાન્ય લોકો માટે એક મોટો આંચકો છે, જેઓ સ્વાસ્થ્ય અને જીવન વીમા પ્રિમિયમમાં ઘટાડો થવાની અપેક્ષા રાખતા હતા. તમને જણાવી દઈએ કે હાલમાં હેલ્થ ઈન્સ્યોરન્સ, ટર્મ લાઈફ ઈન્સ્યોરન્સ અને યુનિટ-લિંક્ડ ઈન્સ્યોરન્સ પ્લાન 18% GST દર હેઠળ આવે છે.

આ બેઠકમાં પોપકોર્ન પર જીએસટીના નવા દરો પર સહમતિ બની છે. મીઠું અને મસાલા સાથે મિશ્રિત તૈયાર પોપકોર્ન (પેક્ડ નહીં) પર 5% GST લાદવામાં આવ્યો છે. જ્યારે પ્રી-પેકેજ અને લેબલવાળા પોપકોર્ન પર 12% GST લાગશે. એ જ રીતે કારમેલ પોપકોર્નને 18% GST હેઠળ આવરી લેવામાં આવશે. તે જ સમયે, જૂની નાની પેટ્રોલ-ઇલેક્ટ્રિક કાર (EV) ના વેચાણ પર GST 12% થી વધારીને 18% કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.