જુલાઈમાં GST વસૂલાત 7.5 ટકા વધી રૂ. 1.96 લાખ કરોડ

નવી દિલ્હીઃ દેશમાં જુલાઈમાં કુલ GST વસૂલાત વધીને રૂ. 1.96 લાખ કરોડ થઈ  છે,એમ સરકારી આંકડા પરથી આ માહિતી મળી છે. તાજેતરના આંકડા અનુસાર ગયા વર્ષની જુલાઈના GST વસૂલીની સરખામણીએ આ વખતે 7.5 ટકાનો વધારો થયો છે. GST વસૂલાત સતત સાતમા મહિને રૂ. 1.8 લાખ કરોડથી વધુ રહી છે.

એપ્રિલ-જૂન 2025ના ત્રિમાસિક સમયગાળામાં વસૂલાત રૂ. 2.1 લાખ કરોડ રહી હતી. એપ્રિલ, 2025માં કુલ GST વસૂલી રૂ.  2.37 લાખ કરોડના રેકોર્ડ ઊંચા સ્તરે પહોંચી હતી, પરંતુ એ મેમાં ઘટીને રૂ. 2.01 લાખ કરોડ રહી. ત્યાર બાદ જૂનમાં રૂ. 1.84 લાખ કરોડ રહી હતી. GST એ દેશમાં અસાધ્ય અને જુદા-જુદા પ્રકારના ઈન્ડાયરેક્ટ ટેક્સિસને દૂર કરીને તેના સ્થાને એકએકમ ઇન્ટિગ્રેટેડ સિસ્ટમ સ્થાપિત કરી. આ 1 જુલાઈ 2017થી અમલમાં આવી હતી.

વિત્ત મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા આંકડાઓ મુજબ, જુલાઈ 2025 માટે કુલ ગ્રોસ GST આવક રૂ. 1.96 લાખ કરોડ રહી હતી, જેમાં CGST – રૂ. 35,470 કરોડ, SGST – રૂ. 44,059 કરોડ, IGST – રૂ. 1,03,536 કરોડ અને સેસ (Cess) – રૂ. 12,670 કરોડનો સમાવેશ થાય છે.

જુલાઈ દરમ્યાન વૈશ્વિક અસ્થિરતા છતાં ભારતની ઉત્પાદન પ્રવૃત્તિમાં મજબૂતાઈ નોંધાઈ હતી. મેન્યુફેક્ચરિંગ PMI (Purchasing Managers’ Index) વધીને 59.1ના સ્તરે પહોંચી ગઈ, જે છેલ્લા 16 મહિનાના ઊંચા સ્તર છે.

વિત્ત વર્ષ 2024-25માં કુલ GST વસૂલી ₹22.08 લાખ કરોડના રેકોર્ડ ઊંચા સ્તરે પહોંચી છે, જે ગયા વર્ષના સમાન સમયગાળા કરતા 9.4 ટકા વધુ છે. આ વર્ષમાં GSTની સરેરાશ માસિક વસૂલી રૂ. 1.84 લાખ કરોડ નોંધાઈ હતી, જ્યારે વર્ષ 2023-24માં આ સરેરાશ રૂ. 1.68 લાખ કરોડ રહી હતી.