નવી દિલ્હીઃ ઘરેલુ અર્થતંત્રએ નાણાં વર્ષ 2024-25ના ચોથા ત્રિમાસિકમાં સારું પ્રદર્શન કર્યું છે. માર્ચ મહિનામાં GST કલેક્શનમાં વધારો જોવા મળ્યો છે. GST કલેક્શનમાં માસિક આધારે 6.5 ટકા અને ગયા વર્ષના માર્ચ મહિનાની સરખામણીમાં 10 ટકાનો ઉછાળો થયો છે અને કલેક્શન 11 મહિનાના ઊંચા સ્તરે પહોંચી ગયું છે.
ગયા મહિને કુલ GST કલેક્શન ₹1.96 લાખ કરોડ થયું છે. ફેબ્રુઆરીમાં એ રૂ. 1.84 લાખ કરોડ હતું. આ સતત 13મો મહિનો છે, જેમાં GST કલેક્શન રૂ. 1.7 લાખ કરોડથી વધુ રહ્યું હોય. જે એક સકારાત્મક સંકેત છે. રિફંડ બાદ નેટ કલેક્શનમાં નવ ટકાનો વધારો થયો છે, જે રૂ 1.76 લાખ કરોડ રહ્યું છે. રિફંડમાં તેજ વૃદ્ધિને કારણે ગ્રોસ (કુલ) GSTની સરખામણીમાં નેટ કલેક્શન થોડું ધીમું પડ્યું છે. આ વખતે રિફંડમાં 41 ટકાનો વધારો જોવા મળ્યો છે.
પાછલા નાણાકીય વર્ષ માટે કુલ GST કલેક્શન રૂ. 22 લાખ કરોડ થયું હતું, જે નવ ટકાથી વધુ વૃદ્ધિ દર્શાવે છે. માર્ચમાં કુલ ગ્રોસ રેવન્યુ કલેક્શન રૂ. 1,96,141 કરોડ (9.9 ટકાનો ઉછાળો) થયું છે, જ્યારે ફેબ્રુઆરી 2024માંમાં રૂ. 1,78,484 કરોડ હતું.
માર્ચ, 2024માં CGST- રૂ. 38,100 કરોડ, SGST- ₹49,900 કરોડ, IGST- રૂ. 95,900 કરોડ અને ઘરેલુ સેસ- રૂ. 11,116 કરોડ રહ્યો છે. GST કલેક્શનનો અત્યાર સુધીનો સૌથી ઊંચો સ્તર એપ્રિલ 2024માં નોંધાયો હતો, જ્યારે કુલ કલેક્શન રૂ. 2.1 લાખ કરોડ થયું હતું, જેમાં 15.5 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો.
