FBI ચીફના રાજીનામા પર ખુશ થયા ડોનાલ્ડ ટ્રમ્પ

અમેરિકા: પ્રમુખ પદની ખુરશી સંભાળવા જઈ રહેલા ડોનાલ્ડ ટ્રમ્પે ગુપ્તચર એજન્સી ફેડરલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (FBI)નું નેતૃત્વ કરવા માટે ભારતીય મૂળના કાશ પટેલની પસંદગીને યોગ્ય ગણાવી છે. ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું છે કે, FBIનું નેતૃત્વ કરવા માટે કાશ પટેલ સૌથી યોગ્ય વ્યક્તિ છે. તેઓ દેશમાં ઝડપથી કાયદો-વ્યવસ્થા અને ન્યાયને સ્થાપિત કરશે.

બીજી તરફ ડોનાલ્ડ ટ્રમ્પે ક્રિસ્ટોફર રેના રાજીનામાને અમેરિકા માટે મહાન દિવસ ગણાવ્યો હતો. તેમણે રે વિશે પોતાના દિલની ભડાસ નીકાળી અને કહ્યું કે, તેમના નેતૃત્વમાં FBIએ મારા પર ગેરકાયદેસર રીતે દરોડા પાડ્યા હતા. આ પહેલા રાજીનામું આપતા રે એ કહ્યું હતું કે, હું FBIને વધુ રાજકીય વિવાદોમાં ફસાવવાથી બચાવવા માગું છું. તેમણે આશા વ્યક્ત કરી કે એજન્સી નિષ્પક્ષ અને રાજકારણથી ઉપર રહીને કામ કરશે.FBI ડાયરેક્ટરના રાજીનામા પર યુ.એસ. એટર્ની જનરલ મેરિક ગારલેન્ડનું પણ નિવેદન સામે આવ્યું છે. તેમણે રેના નેતૃત્વની પ્રશંસા કરી હતી. ગારલેન્ડે FBIની સ્વતંત્રતા જાળવી રાખવા પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે, FBIનું સ્વતંત્રતાથી કામ કરવું ન્યાયિક પ્રક્રિયા અને અમેરિકન સ્વતંત્રતાના રક્ષણ માટે જરૂરી છે.