રૉબિન્સવિલ ન્યૂજર્સીમાં BAPS સ્વામિનારાયણ અક્ષરધામનું શાનદાર ઉદ્ઘાટન

ન્યુ જર્સીમાં BAPS સ્વામિનારાયણ અક્ષરધામનું 8 ઓક્ટોબરના રોજ મહંત સ્વામીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પ્રાણપ્રતિષ્ઠા વિધિ અને ભવ્ય લોકાર્પણ સમારોહમાં હજારો ભક્તો-ભાવિકો અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. BAPS સ્વામિનારાયણ અક્ષરધામ તારીખ 18 ઓક્ટોબરથી તમામ મુલાકાતીઓ માટે ખુલ્લું મૂકવામાં આવશે. આ અક્ષરધામનું નિર્માણ 2011માં શરૂ થયું હતું. ભગવાન સ્વામિનારાયણને અંજલિરૂપ આ અક્ષરધામ કુલ 13 ગર્ભગૃહ ધરાવે છે. ભારત, અમેરિકા સહિત સમગ્ર વિશ્વમાંથી 12,500 સ્વયંસેવકો દ્વારા રૉબિન્સવિલમાં આ વિરાટ આ મંદિર આકાર પામ્યું છે. માત્ર હિન્દુ અમેરિકાનો માટે જ નહીં, પરંતુ સમગ વિશ્વના લોકો માટે અક્ષરધામ હિન્દુ સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિને સમજવાનું સ્થાન છે. કળા અને સ્થાપત્યના જિજ્ઞાસુઓ માટે આ અક્ષરધામ જ્ઞાન અને શિક્ષણનું ધામ બની રહેશે.

પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના સંકલ્પ અનુસાર નિર્મિત આ અક્ષરધામ સનાતન હિન્દુ ધર્મના શાંતિ, સંવાદિતા અને એકતાના વૈશ્વિક મૂલ્યોને ઉજાગર કરે છે. તેમજ  સાંસ્કૃતિક અભિવ્યક્તિ, કલા, સ્થાપત્ય અને શિક્ષણનું બેજોડ સ્થાન બની રહેશે. હજારો હરિભક્તોએ પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજને તેઓના 90 માં જન્મદિને ભક્તિઅર્ધ્ય અર્પણ કર્યું હતું.  પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજે પ્રાણપ્રતિષ્ઠા બાદ આશીર્વચનમાં જણાવ્યું હતું કે, અહીં આવનાર સૌ કોઈ તેમના જીવનમાં પરમ શાંતિ અને પરમ આનંદનો અનુભવ કરે તેવી પ્રાર્થના.

પ્રાચીન હિંદુ શાસ્ત્રોમાં વર્ણવેલ પરંપરાગત મંદિર સ્થાપત્યશસ્ત્ર અનુસાર નિર્મિત આ અક્ષરધામ આવનારી અનેક સહસ્ત્રાબ્દીઓ સુધી અડીખમ રહેશે. ઇટાલી, ગ્રીસ, તુર્કી, બલ્ગેરિયા, ભારત અને અન્ય દેશોના પત્થરોમાંથી લાવીને ભારતમાં સેંકડો કુશળ કારીગરો દ્વારા જટિલ-બારીક કોતરણીકામ કરવામાં આવ્યું અને અમેરિકા અને સમગ્ર વિશ્વમાંથી 12,500 સ્વયંસેવકો દ્વારા રૉબિન્સવિલમાં એક વિરાટ જિગ-સૉ પઝલની જેમ આ મંદિર આકાર પામ્યું.

 

ઉદ્ઘાટન નિમિત્તે 30 સપ્ટેમ્બરથી ચાલી રહેલાં નવદિવસીય વિશિષ્ટ કાર્યક્રમ શૃંખલામાં સેંકડો મહાનુભાવો અને સ્વયંસેવકોએ અક્ષરધામ વિશે પોતાનો અહોભાવ રજૂ કર્યો. આ ઉપરાંત છેલ્લાં 75 કરતાં વધુ દિવસથી ચાલી રહેલાં ‘ફેસ્ટિવલ ઓફ ઈન્સપીરેશન્સ’ અંતર્ગત અનેકવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત મહાનુભાવો અને મુલાકાતીઓએ અક્ષરધામના દર્શન-મુલાકાત દ્વારા તેઓની ગહન અનુભૂતિઓને રજૂ કરી. અક્ષરધામ દ્વારા ન્યૂજર્સીમાં અત્યાર સુધીના સૌથી મોટા રકતદાન અભિયાનોમાંના એક એવા રકતદાન યજ્ઞ હેઠળ છેલ્લાં 10 અઠવાડિયામાં 10,000 જેટલી વ્યક્તિઓ માટે ઉપયોગી રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું.

પશ્ચિમ ગોળાર્ધમાં સૌથી મોટા હિન્દુ મંદિર એવા અક્ષરધામમાં હિંદુ શાસ્ત્રોમાંથી સંદેશાઓ ઉપરાંત અબ્રાહમ લિંકન, કન્ફ્યુશિયસ, બુદ્ધ, મીરાબાઈ, માર્ટિન લ્યુથર કિંગ જુનિયર, અને અન્ય અનેક મહાપુરુષોના અવતરણો મહામંદિરના વિઝડમ પ્લિન્થમાં મૂકવામાં આવ્યા છે.

પ્રાણપ્રતિષ્ઠા વખતે પ્રત્યક્ષ ઉપસ્થિત અને વર્ચ્યુઅલ લાભ લઈ રહેલાં લાખો હરિભક્તો-ભાવિકોએ દીપ પ્રાગટ્ય કરી મહાઆરતીનું અર્ઘ્ય અર્પણ કર્યું હતું. BAPS સંસ્થાના આંતરાષ્ટ્રીય સંયોજક પૂ. ઈશ્વરચરણદાસ સ્વામીએ સેવા-સહયોગ આપનાર સૌ કોઈનો BAPS સંસ્થા વતી આભાર માન્યો હતો.  અક્ષરધામ મહોત્સવની જય..’ ના બુલંદ જયઘોષથી સમારોહનું સમાપન થયું હતું.