અયોધ્યામાં 22 જાન્યુઆરીએ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમને લઈને કેન્દ્ર સરકાર સહિત અનેક રાજ્યોમાં અડધા દિવસની રજા જાહેર કરવામાં આવી છે. ત્યારે રામના આ વધામણાંને લઈને ગુજરાત સરકારે રાજ્ય સરકારની તમામ કચેરીઓ તથા રાજ્ય સરકારની તમામ સંસ્થાઓ અડધા દિવસ માટે બંધ રાખવાનો આદેશ કર્યો હતો. ત્યારબાદ હવે 22 જાન્યુઆરીએ રાજ્યની સરકારી શાળાઓ બપોર સુધી બંધ રાખવાનો નિર્દેશ કરવામાં આવ્યો છે.
રાજ્યની સરકારી શાળાઓ બપોર સુધી બંધ રાખવા નિર્દેશ
પ્રાપ્ત વિગતો મુજબ સંયુક્ત શિક્ષણ નિયામકે તમામ જિલ્લા શિક્ષણાધિકારીને પત્ર લખી નિર્દેશ કર્યો છે કે, રામ મંદીરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈ ગુજરાત સહીત દેશભરમાં ઉજવણીનો માહોલ છે. જેમાં રામ મંદીર પ્રાણ પ્રતિષ્ઠાને લઈ 22 જાન્યુઆરીએ રાજ્યની સરકારી શાળાઓ બપોર સુધી બંધ રાખવા નિર્દેશ કરાયો છે.
સરકારી ઓફિસો પણ અડધા દિવસ બંધ
રાજ્ય સરકારના પરિપત્ર પ્રમાણે 22 જાન્યુઆરીએ અયોધ્યામાં યોજાનારા રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને જોતા તમામ રાજ્ય સરકારની ઓફિસો અડધો દિવસ માટે બંધ રહેશે. એટલે કે રાજ્ય સરકારના કર્મચારીઓને અડધો દિવસ રજા આપવામાં આવી છે. 22 જાન્યુઆરી સોમવારે રાજ્ય સરકારના તમામ વિભાગોમાં બપોરે 2.30 કલાક સુધી રજા રહેશે. ત્યારબાદ તમામ સરકારી કચેરીઓ પોતાનું કામકાજ કરશે.