કોણ છે એ ગુજ્જુ ફૅન જેણે અમેરિકામાં બનાવ્યું અમિતાભનું સ્ટેચ્યુ? બિગ બીએ કર્યો ફોન

અમેરિકાના ન્યુજર્સીના એડિસન સીટીના આકર્ષક સ્થળોમાં મૂળ ગુજરાતી ગોપી શેઠના ઘરની નોંધ લેવાય છે. જેની પાછળનું કારણ છે બૉલિવૂડ સુપરસ્ટાર અમિતાભ બચ્ચન.જી હા, અમેરિકામાં રહેતા ગોપી શેઠે પોતાની ઘરની બહાર અમિતાભ બચ્ચનનું સ્ટેચ્યુ બનાવ્યું છે. હવે તેમનું ઘર એક પર્યટક સ્થળ તરીકે પ્રસિદ્ધ થયું છે અને ગુગલના સર્ચ એન્જિનમાં પણ તે એડિસનના આકર્ષક સ્થળ તરીકે નોંધ પામ્યું છે.

મૂળ ગુજરાતના દાહોદના વતની અને છેલ્લા સાડા ત્રણ દાયકાથી અમેરિકાના ન્યુજર્સી સ્થિત ગોપી(નિરજ) બાબુલાલ શેઠે 2022 માં ન્યુજર્સીના એડિસન સીટી ખાતે એક ભવ્ય ઘર બનાવ્યું હતું. ત્યારે ઘરની અંદર ગોપી શેઠે પોતાના ઈષ્ટદેવ શ્રીમદ્ વલ્લભાચાર્યજીની આરસની મસમોટી પ્રતિમા સ્થાપિત કરી છે તો બહારના ભાગે પેસેજમાં ગોપી શેઠ પોતે જેમના ડાઈહાર્ડ કહી શકાય તેવા ફેન છે તે બિગ-બી અમિતાભ બચ્ચનનું આદમ કદનું એટલેકે આશરે ૬ ફૂટની ઊંચાઈના સ્ટેચ્યુ બનાવડાવ્યું છે. બે વર્ષ પૂર્વે ઓગષ્ટ,2022 માં રાજસ્થાનના કારીગરો દ્વારા બનેલ અમિતાભ બચ્ચનના સ્ટેચ્યુનું ઉદ્દઘાટન અમેરિકામાં ખૂબ જાણીતા રોયલ આલ્બર્ટ પેલેસ હોલના માલિક આલ્બર્ટ જસાનીના હસ્તે અનેક મહાનુભાવોની ઉપસ્થિતિમાં થયું હતું.

ગોપી શેઠે ચિત્રલેખા ડૉટ કૉમ સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે “હું અમિતાભ બચ્ચનનો બહુ મોટો ચાહક છું. હું તેમનું ખૂબ સન્માન કરું છું. મારો તેમના પ્રત્યેનો સ્નેહ અને સન્માનના ભાગરૂપે અમે ઘરની બહાર તેમની પ્રતિમા બનાવી છે. જોકે, આ અંગે સરકાર પાસેથી પરવાનગી લેવી અમારા માટે એક પડકાર હતો. પરંતુ તમામ પ્રક્રિયાઓને પાર પાડી આખરે પ્રતિમા બનાવી.” આના પર અમિતાભ બચ્ચનનું શું રિએક્શન હતું તેના વિશે ગોપી શેઠે કહ્યું હતું કે પ્રતિમા વિશે બિગ બીને જાણ થયા બાદ ફોન પર તેમની સાથે વાત થઈ હતી. બિગ બીએ કહ્યું કે હું આટલું બધું ડિઝર્વ નથી કરતો. તમારા સ્નેહ, પ્રેમ અને સન્માનની કદર કરું છું.

 

View this post on Instagram

 

A post shared by Chitralekha (@chitralekha.in)

371 વર્ષ જુના આ અમેરિકન નગરનું નામ અગાઉ ‘રૈરિટેન’ હતું. જે આ નગરમાં રહેતાં વીજળીના બલ્બના શોધક વૈજ્ઞાનિક થોમસ એડિસનના નામે 1957 માં ‘એડિસન’ થયું હતું. એ એડિસનના મુખ્ય વિસ્તારમાં મસમોટાં પરિસરમાં ભવ્ય ભવન રચાયાં બાદ ગોપી શેઠ અને તેમના પત્ની રિન્કુ શેઠ સહિતના પરિવારજનોની સુવિધા માટે રચિત આ ભવ્ય ભવનમાં ખૂબ વિશાળ એવા કળાત્મક કાર્વિંગ કરેલ મુખ્ય દરવાજા, આદમ કદ કહેવાય તેવા બે સ્ટેચ્યુ, રિમોટ વડે સંપૂર્ણપણે ઓટોમેટિક સંચાલિત થતી જે તે ઈલેક્ટ્રોનિક સિસ્ટમ્સ, ખૂબ જ વિશાળ બેઝમેન્ટ, રાતના સમયે વિવિધ કલર વડે રંગબિરંગી બનતું ભવન જેવી અગણિત લેટેસ્ટ સગવડો આમેજ કરવામાં આવી છે. આ ભવ્ય ભવન બે વર્ષમાં કદાચ્ ન્યુજર્સી સ્થિત સૌથી ભવ્ય ભવન તરીકે સાબિત થઈ ગયું છે. આ ભવનમાં બિગ-બીનું સ્ટેચ્યુ રચી ભવ્ય કાર્યક્રમ સાથે ઉદ્દઘાટન કરવા બદલ અમિતાભ બચ્ચને પોતે ગોપી શેઠને મેસેજ કરી શુભેચ્છા પણ પાઠવી હતી.

ગોપી શેઠે બિગ બી એકસ્ટેન્ડ ફેમિલી કરી વેબસાઈટ પણ ડેવલપ કરી છે. જેમાં અમિતાભ બચ્ચનની તમામ માહિતી, ફોટોઝ અને વીડિયો ઉપલબ્ધ છે.

છેલ્લા કેટલા સમયથી અમિતાભ બચ્ચનનું સ્ટેચ્યુ જોવા માટે જે રીતે પ્રવાસીઓનો ધસારો નોંધાયો છે તેની નોંધ લઇ ગુગલના સર્ચ એન્જિન દ્વારા અને સ્થાનિક માન્ય સંસ્થાઓ દ્વારા ન્યુજર્સી ખાસ કરીને એડિસન સિટીના આકર્ષણોમાં ગોપી શેઠ નિર્મિત અમિતાભ બચ્ચનનું સ્ટેચ્યુ ઉમેરાયું છે એટલું જ નહીં અગ્રીમ ક્રમે સ્થાન પણ પામ્યું છે.