ભારે વરસાદના પગલે ગિરનાર લીલી પરિક્રમા સ્થગિત કરાઈ

છેલ્લા કેટલાક સમયથી જુનાગઢ શહેર અને ગીરનાર પર્વતમાં વરસાદને કારણે વાતાવરણ ડામાડોળ બન્યું હતું. જેને લઈને પરિક્રમા પર સંકટના વાદળો ઘેરાયા હતા. આવી પરિસ્થિતિ વચ્ચે આજે ફરી એક વખત વરસાદ આવતાં પરિક્રમાનું આયોજન પૂર્ણ રૂપે કરવું અશક્ય જણાતાં સાધુ-સંતો અને પદાધિકારીઓએ પરિક્રમા માર્ગનું નિરીક્ષણ કરીને આ વખતની પરિક્રમા ભાવિકો માટે સ્થગિત રાખીને માત્ર પરંપરા અને સનાતન ધર્મના મુહૂર્તને સચવાય તે માટે સાધુ-સંતો દ્વારા પ્રતીકાત્મક રૂપે પરિક્રમા કરવાનો નિર્ણય લીધો છે.

પ્રતીકાત્મક રૂપે સંતો જશે માર્ગ પરપાછલા એક અઠવાડિયાથી ગિરનારની પાવનકારી લીલી પરિક્રમા આ વર્ષે થશે કે નહીં તેને લઈને સ્થિતિ સ્પષ્ટ થતી જોવા મળતી ન હતી. પાછલા દસ દિવસથી જુનાગઢ શહેર, ગિરનાર પર્વત અને ભવનાથ તળેટીમાં સતત વરસાદ પડી રહ્યો છે, તેને કારણે આ વખતે પરિક્રમાનું આયોજન સંપૂર્ણપણે થઈ શકશે કે કેમ તેના પર ચિંતાના વાદળો ઘેરાયા હતા. ગઈ કાલ રાતથી ફરી એક વખત જુનાગઢ શહેર અને ગિરનાર પર્વત પર વરસાદ થતાં ફરી એક વખત કાદવ-કીચડનું સામ્રાજ્ય જોવા મળ્યું. આજે ભવનાથના કેટલાક સાધુ-સંતો અને વન વિભાગ સાથે વહીવટી તંત્રના અધિકારીઓએ જે રૂટ પર પરિક્રમા થવાની હતી તેનું સ્થળ નિરીક્ષણ કર્યા બાદ પરિક્રમા તમામ પ્રકારના ભાવિકો માટે આ વખતે સ્થગિત રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સરકારના આ અધિકારિક નિર્ણયની જાહેરાત આજે બપોર બાદ જિલ્લા કલેક્ટર પત્રકાર પરિષદ યોજીને કરી રહ્યા છે.