ગૌતમ અદાણીએ વિદ્યાર્થીઓને આપ્યા સફળતાના અમૂલ્ય મંત્રો

અમદાવાદ: અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ વિદ્યાર્થીઓને સફળતા હાંસલ કરવાના અમૂલ્ય મંત્રો આપ્યા છે. સોમવારે અદાણી ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓને સંબોધતા તેમણે કહ્યું, “સફળતા ત્યારે જ મળે છે જ્યારે તમે આખી દુનિયાને વધુ સારી જગ્યા બનાવો છો. સફળતાની સાથે તમારે એક સારી દુનિયા માટે પણ કામ કરવું જોઈએ. આપણી દુનિયા ઝડપથી બદલાઈ રહી છે. મારું માનવું છે કે શિક્ષકો તમને ફક્ત પરીક્ષા માટે જ તૈયાર કરતા નથી, પરંતુ તેઓ તમને જીવન માટે પણ તૈયાર કરે છે.”ગૌતમ અદાણીએ કહ્યું, “જ્યારે મેં મારી સફર શરૂ કરી ત્યારે મારી પાસે કોઈ રોડ મેપ, સંસાધનો કે કનેક્શન્સ ન હતા. મારી પાસે માત્ર મારા સપના જ હતા. કેટલાક અર્થપૂર્ણ કાર્યો કરવાના સપના, કંઈક એવું જે મારો આત્મવિશ્વાસ વધારે છે.”

પેરેન્ટિંગ વિશે બાલતા તેમણે જણાવ્યુ, “વાલીપણાનો અર્થ ફક્ત તમારા બાળકના ભવિષ્યને ઘડવાનો નથી. પરંતુ તેમને રાષ્ટ્રના ભવિષ્યના નિર્માણ માટે પ્રેરણા આપવાનો છે. બાળકો ફક્ત તેમના માતા-પિતાની મિલકતનો જ નહીં પરંતુ મૂલ્યોનો વારસો પણ મેળવતા હોય છે. તેમને બીજાઓની સેવા કરવાનું શીખવો. તેમને હંમેશા નવીન કરવા, નવીનતા લાવવા અને ઉંચા સ્વપ્ન જોવા માટે પ્રોત્સાહિત કરો.”

તેમણે શિક્ષકોને સલાહ આપતા કહ્યું, “તમે ‘સ્વપ્ન નિર્માતા’ છો. તમે જે પણ પાઠ શીખવો છો તેના દરેક પ્રેરણાદાયક શબ્દો વિદ્યાર્થીઓના જીવનને આકાર આપે છે. આજના ઝડપથી બદલાતા વિશ્વમાં તમારી ભૂમિકા પહેલાં કરતાં વધુ મહત્વપૂર્ણ છે. બાળકોના ભવિષ્ય માટે અમારી શાળા પર વિશ્વાસ મૂકવા બદલ આભાર. આવતીકાલના ભારતનું ભવિષ્ય લખનારા આ યુવા મનને ઘડવાથી મોટી કોઈ જવાબદારી હોઈ શકે નહીં.”આજના ઝડપથી બદલાતા વિશ્વમાં તેમણે વિદ્યાર્થીઓની ભૂમિકાને પહેલા કરતા વધુ મહત્વપૂર્ણ ગણાવી હતી. સપના જોવાની સલાહ આપતા તેમણે મહત્વાકાંક્ષાઓને જાત સુધી મર્યાદિત ન રાખતા તેનો વ્યાપ વધારવા જણાવ્યું હતું. વિદ્યાર્થીઓને સતત નવું શીખતા રહેવાનું જણાવતા તેમણે કંઈક અલગ કરવાનો પ્રયાસ કરવા પર ભાર મૂક્યો હતો. સફળતા જ્યારે બીજાઓને ઉંચા કરે છે ત્યારે તે વધુ સંતોષકારક હોય છે. હું માનું છું કે આ સૌથી મોટી ગુરુ દક્ષિણા છે.

તેમણે વિદ્યાર્થીઓને કહ્યું, “નિષ્ફળતાઓ આવશે અને અવરોધો તમારી કસોટી કરશે. પરંતુ યાદ રાખો કે નિષ્ફળતા સફળતાની વિરુદ્ધ નથી. તે સફળતાનો સૌથી મહત્વપૂર્ણ સાથી છે. મને આશા છે કે તમે બધા તમારા માર્ગ પર આગળ વધતાં તેમાંથી શીખશો.”

ગૌતમ અદાણીએ વિદ્યાર્થીઓને પોતાના અનુભવો શેર કરતા જણાવ્યું હતું, “હું ખૂબ જ સામાન્ય પરિવારમાંથી આવું છું. બનાસકાંઠામાં ગુજારેલા બાળપણના અનુભવોએ મારા સામાજિક વર્તનને આકાર આપ્યો. તો મારા માતા-પિતાએ મારા મૂલ્યોને આકાર આપ્યો. મારા માતા-પિતા સાથે વિતાવેલા શરૂઆતના મુશ્કેલ દિવસોએ મારી શરૂઆતની માન્યતાઓને આકાર આપ્યો. સમય જતાં એ માન્યતાઓ મારા મૂલ્યોમાં ફેરવાઈ ગઈ. મારી યાત્રા માત્ર વ્યવસાય માટે જ નથી. મેં લીધેલા દરેક નિર્ણય, મેં લીધેલા દરેક જોખમ, એક ધ્યેય દ્વારા પ્રેરિત હતા.”