અમદાવાદ: ‘સલામતીના અક્ષર ચાર સમજે તેનો બેડો પાર’… અગ્નિ સુરક્ષા માટે નાગરિકોએ શું કરવું અને શું ના કરવું એના સંદેશાનું હોર્ડિંગ…સમાજના સૌથી મદદગાર સુપર હીરો પોલીસ, સૈનિક, ફાયરમેન, ડોક્ટરને ગણેશ મહોત્સવના પ્રવેશ દ્વાર પર જ વેજલપુરના યુવક મંડળે મુક્યા છે. આ સાથે સમાજમાં કોઈ પણ મોટી દુર્ઘટના થાય એ માટે નાગરિકોને સાવચેતી અને જાગૃતિ માટેની એક થીમ ગણેશોત્સવમાં તૈયાર કરવામાં આવી છે.
વેજલપુર યુવક મંડળના મયુર ઠક્કર ચિત્રલેખા.કોમને કહે છે, “અમે દર વર્ષે સાંપ્રત બાબતો સમાજમાં સરળતાથી પહોંચે, દેશ પ્રેમ જાગે એવી જુદી-જુદી થીમ નક્કી કરીએ છીએ. આ વર્ષની અમારી થીમ લોકોમાં જાગૃતિ આવે એના માટેની છે. વડોદરાની હોડી દુર્ઘટના, મોરબીમાં પુલની દુર્ઘટના કે રાજકોટના ગેમિંગ ઝોનમાં આગની દુર્ઘટનામાં લોકોએ જાતે શું સાવચેતી રાખવી? જેનાથી મોટી સંખ્યામાં લોકોના જીવ બચી શકે. ક્યા સ્થળોએ જવું? ક્યા વાહનોમાં બેસવું? તેમજ ભીડવાળા ઉત્સવ મહોત્સવમાં શું સાવધાની રાખવી? સરકારી તંત્ર તો ઝડપથી કામગીરી કરે જ છે, પરંતુ તંત્ર ખોરવાય નહીં એ માટે નાગરિકો જ અમુક બાબતો ટાળે તો દુર્ઘટનાથી બચી શકાય છે.”
ગણેશજીની આસપાસ ફાયરબ્રિગેડ, હોસ્પિટલની કામગીરીને આબેહુબ તૈયાર કરવામાં આવી છે.
(પ્રજ્ઞેશ વ્યાસ – અમદાવાદ)
