અમદાવાદ: શહેરની મધ્યમાં આવેલ આશ્રમ રોડ શહેરની ઓળખ સમાન છે. ગાંધીજી અમદાવાદ આવીને જ્યાં સૌપ્રથમ રોકાયા હતા તે કોચરબ આશ્રમથી લઈને બાદમાં સ્થાપેલા સાબરમતી આશ્રમ સુધીના રોડને આશ્રમ રોડ તરીકે ઓળખવામાં આવે છે, આ આશ્રમ રોડ પર આવેલ ઇન્કમટેક્ષ સર્કલ અમદાવાદીઓ માટે જાણીતું સ્થળ છે. સર્કલ પર આવેલી ગાંધીજીની વર્ષો જૂની પ્રતિમા પાસે અને ઘણાં આંદોલનો, ધરણાં, દેખાવો, રેલીઓ થઈ હતી. જેણે સરકારોને હચમચાવી નાખી હતી. હવે આંદોલનો નહીંવત થઈ ગયા. ગાંધી પ્રતિમા પર ઓવરબ્રિજ બની ગયો.
જો કે ઈન્કમટેક્ષ પાસે ગાંધીજીની યાદગીરી સચવાઇ રહે એ માટે ઓવર બ્રિજના પિલર્સ પર ગાંધીજીની આકૃતિઓ બનાવવામાં આવી છે. પરંતુ ગાંધીજીની આ કૃતિઓની કોઈ માવજત થતી નથી. તેના પર રાજકીય પક્ષો અને આંદોલનકારી સંગઠનોએ જાહેરાતોનું ચિતરામણ કરી દીધું છે. પાર્કિંગના સ્ટિકર્સ, બેનર્સ અને કંઈ કેટલીય જાહેરાતો તેના પર લોકો લગાવીને જતા રહે છે. ગાંધીજીની એ કૃતિઓની અડીને જ ખાનાબદોશ ઘર વિહોણાં લોકોએ અડ્ડો જમાવી દીધો છે. દેશના રાષ્ટ્રપિતાની સન્માનમાં, સ્મૃતિમાં બનાવેલી આકૃતિઓ પર જ રાજકીય પક્ષો અને સંસ્થાઓ વરવું ચિતરામણ અને ગંદકી કરી રહ્યા છે.
હેરિટેજ અને સ્માર્ટ સિટી અમદાવાદના ટ્રાફિકથી ધમધમતા આ વિસ્તારમાંથી પસાર થતાં લોકોની નજર અહીં રોજ પડતી હોય છે. ત્યારે કેટલાક લોકો બોલી ઉઠે છે, આતો બાપુનું અપમાન થઈ રહ્યું છે. ત્યારે પ્રશાસનની સાથે ગાંધીજીની અને શહેરની ગરિમા જાળવવી દરેક નાગરિકની ફરજ બને છે. શહેરની ઓળખ સમાન સીમાચિહ્નોને આ રીતે બેહાલ, અપમાનિત ન કરે. ખાસ કરીને રાજકીય પક્ષો. આ હરેટિજ શહેરની સુંદરતાને જાળવી રાખવી એ દરકે નાગરિકનો ધર્મ હોવો જોઈએ.
(પ્રજ્ઞેશ વ્યાસ)