ગુજરાતના અમદાવાદથી લંડનના ગેટવિક એરપોર્ટ પર જઈ રહેલા બોઇંગ 787 ડ્રીમલાઇનર વિમાનના ક્રેશથી ભારત સહિત સમગ્ર વિશ્વને આઘાત લાગ્યો છે. ટેકઓફ કર્યાના થોડીક સેકન્ડ પછી જ આ વિમાન એરપોર્ટથી થોડા અંતરે આવેલા મેઘાણીનગરના રહેણાંક વિસ્તારમાં એક ઇમારત સાથે અથડાયું. આ ઘટના બાદ વિશ્વભરના નેતાઓએ આ ઘટના પર શોક વ્યક્ત કર્યો અને પીડિતોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી. ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ આ એર ઇન્ડિયા ફ્લાઇટમાં સવાર હતા.
એવું નથી કે ભારતમાં આ પહેલી પ્લેન ક્રેશની ઘટના હોય. આ પહેલા પણ વિમાન દુર્ઘટનાઓ ઘટી ચૂકી છે. જેમાં ભારતની જાણીતી હસ્તીઓએ પોતાનો જીવ ગૂમાવ્યો. આપણે જાણીએ એ હસ્તીઓ વિશે જેને આભમાં જ મળ્યુ મોત.
સ્વતંત્રતા સેનાની, કોંગ્રેસ સાથે સંકળાયેલા સુભાષ ચંદ્ર બોઝ (18 ઓગસ્ટ, 1945)
ક્યાં:તાઈહોકુ એરપોર્ટ
કેવી રીતે: જાપાની લશ્કરી વિમાન ઉડતી વખતે ક્રેશ થયું. એવો દાવો કરવામાં આવે છે કે નેતાજી ખરાબ રીતે દાઝી ગયા હતા અને હોસ્પિટલમાં તેમનું મૃત્યુ થયું હતું. જો કે, તેમના મૃત્યુ અંગે હજુ પણ શંકા વ્યક્ત કરવામાં આવે છે. ઉપરાંત, તેમના બચવા અંગે કેટલાક સિદ્ધાંતો આપવામાં આવ્યા છે. જો કે, કેન્દ્ર સરકાર સમયાંતરે એવા દસ્તાવેજો જાહેર કરીને સ્પષ્ટ કરી રહી છે જે એક સમયે ગુપ્ત હતા કે નેતાજીનું મૃત્યુ અકસ્માતમાં થયું હતું અને તેમની રાખ જાપાનના ટોક્યોમાં રેન્કોજી મંદિરમાં રાખવામાં આવી છે.
ભારતના પરમાણુ વિજ્ઞાનના પિતા, હોમી ભાભા(24 જાન્યુઆરી, 1966)
ક્યાં: મોન્ટ બ્લેન્ક, સ્વિસ આલ્પ્સ, સ્વિટ્ઝર્લૅન્ડ
કેવી રીતે: ભારતના અગ્રણી પરમાણુ ભૌતિકશાસ્ત્રી હોમી જહાંગીર ભાભાનું 24 જાન્યુઆરી, 1966ના રોજ એર ઇન્ડિયા ફ્લાઇટ 101 ના હૃદયદ્રાવક અકસ્માતમાં અવસાન થયું. આ અકસ્માતે ભારતના પરમાણુ કાર્યક્રમના શિલ્પીનું માત્ર 56વર્ષની ઉંમરે જીવન લઈ લીધું. જીનીવા એર ટ્રાફિક કંટ્રોલ સાથે ખોટી વાતચીતને કારણે વિમાન સ્વિસ આલ્પ્સમાં મોન્ટ બ્લેન્કમાં ક્રેશ થયું.
ભૂતપૂર્વ વડા પ્રધાન ઇન્દિરા ગાંધીના પુત્ર, ભૂતપૂર્વ સાંસદ, સંજય ગાંધી(23 જૂન 1980)
ક્યાં: સફદરજંગ એરપોર્ટ, નવી દિલ્હી
કેવી રીતે: સંજય ગાંધી સવારે તાલીમ ફ્લાઇટ લઈ રહ્યા હતા. તેઓ પોતે વિમાન ઉડાડી રહ્યા હતા અને સ્ટંટ દરમિયાન તેમનું વિમાન નિયંત્રણ બહાર ગયું અને ક્રેશ થયું. તેઓ ફક્ત 33 વર્ષના હતા.
કોંગ્રેસ નેતા અને ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી, માધવરાવ સિંધિયા (30 સપ્ટેમ્બર, 2001)
ક્યાં: મૈનપુરી નજીક, ઉત્તર પ્રદેશ
કેવી રીતે: માધવરાવ સિંધિયા એક રાજકીય રેલીને સંબોધવા માટે ચાર્ટર્ડ પ્લેન (બીક્રાફ્ટ કિંગ એર સેસ્ના સી-૯૦) માં દિલ્હીથી ઉત્તર પ્રદેશના કાનપુર જઈ રહ્યા હતા. ઉડાન ભર્યાના થોડા સમય પછી ખરાબ હવામાન અને ટેકનિકલ ખામીને કારણે તેમનું વિમાન ઉત્તર પ્રદેશના મૈનપુરી જિલ્લાના મોટલા ગામ નજીક ક્રેશ થયું. વિમાનમાં આગ લાગી ગઈ અને સિંધિયા બચી શક્યા નહીં. ઉપરાંત, એક પત્રકાર, પાઇલટ અને સહ-પાઇલટનું મૃત્યુ થયું.
ભૂતપૂર્વ લોકસભા સ્પીકર અને તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી) નેતા, જીએમસી બાલયોગી (3 માર્ચ, 2002)
ક્યાં: કોવ્વાદલંકા ગામ નજીક, કૃષ્ણા જિલ્લો, આંધ્રપ્રદેશ
કેવી રીતે: લોકસભા સ્પીકર તરીકે, જીએમસી બાલયોગી એક કાર્યક્રમ માટે ભારતીય વાયુસેનાના બેલ 206 હેલિકોપ્ટરમાં મુસાફરી કરી રહ્યા હતા. આંધ્રપ્રદેશના મછલીપટ્ટનમથી ઉડાન ભર્યાના થોડા સમય પછી ટેકનિકલ ખામીને કારણે હેલિકોપ્ટર નિયંત્રણ ગુમાવી દીધું અને ઇમરજન્સી લેન્ડિંગનો પ્રયાસ કરતી વખતે ભેજવાળા વિસ્તારમાં ક્રેશ થયું. અકસ્માતમાં બાલયોગી, તેમના અંગત સુરક્ષા અધિકારી અને પાઇલટનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું.
અભિનેત્રી, તેલુગુ સુપરસ્ટાર, કે.એસ. સૌમ્યા સત્યનારાયણ (17 એપ્રિલ 2004)
ક્યાં: બેંગ્લોર, કર્ણાટક
કેવી રીતે: દક્ષિણ ભારતીય અભિનેત્રી કે.એસ. સૌમ્યા, જે સૌંદર્યા તરીકે પ્રખ્યાત છે, 17 એપ્રિલ, 2004 ના રોજ માત્ર 32 વર્ષની ઉંમરે એક વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામી. સૂર્યવંશમ ફિલ્મથી ચર્ચામાં આવેલી સૌમ્યા તેના ભાઈ સાથે કરીમનગર જઈ રહી હતી. તેમનું સેસના 180 વિમાન ક્રેશ થયું.
ભારતના પ્રથમ સીડીએસ જનરલ, બિપિન રાવત (8 ડિસેમ્બર 2021)
ક્યાં: કુન્નુર, તમિલનાડુ
કેવી રીતે: ભારતના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (સીડીએસ) જનરલ બિપિન રાવતનું 8 ડિસેમ્બર 2021 ના રોજ તમિલનાડુના કુન્નુર નજીક Mi-17 હેલિકોપ્ટર દુર્ઘટનામાં મૃત્યુ થયું. તેઓ તેમની પત્ની અને 11 અન્ય લોકો સાથે સુલુથી વેલિંગ્ટન જઈ રહ્યા હતા. આ અકસ્માતમાં તેમના જીવનસાથી મધુલિકા રાબત સહિત કુલ 13 લોકોએ જીવ ગુમાવ્યા. જનરલ રાવતે ઉત્તરપૂર્વમાં બળવાખોરીને ખતમ કરવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. તેમના મૃત્યુના ત્રણ વર્ષ પછી, 2024ની લોકસભામાં સંરક્ષણ બાબતોની સ્થાયી સમિતિ દ્વારા રજૂ કરાયેલા અહેવાલમાં કહેવામાં આવ્યું હતું કે Mi-17 અકસ્માત માનવ ભૂલને કારણે થયો હતો.
