સુરતઃ ખંડણી કેસમાં સુરત કોંગ્રેસના ભૂતપૂર્વ કોર્પોરેટરની ધરપકડ થઈ છે. પોલીસે ભૂતપૂર્વ કોર્પોરેટર ઈમરાન સોલંકીની ધરપકડ કરી છે. તેમણે બિલ્ડરનું ગેરકાયદે બાંધકામ બતાવી ખંડણી માગી હતી. ભૂતપૂર્વ કોર્પોરેટરે 5 લાખ રૂપિયાની ખંડણી માગી હતી. ઈમરાને SMCમાં બાંધકામ તોડવા અરજી કરી હતી. ઈમરાનના ઘરમાંથી બિલ્ડરના પ્લાન અને ફાઈલો મળી આવી હતી.
સુરતના લાલગેટ લાલમિયાં મસ્જીદ પાસે બાંધકામ કરતા સૈયદપુરાના બિલ્ડરને સાઈટ પર જઈ ફોટા પાડી બાંધકામ ગેરકાયદે છે તેમ કહી કોંગ્રેસના ભૂતપૂર્વ કોર્પોરેટર ઈમરાન સોલંકીએ રૂ. પાંચ લાખની ખંડણી માગી હોવાની ફરિયાદ લાલગેટ પોલીસ મથકમાં નોંધવામાં આવી હતી. બિલ્ડરે કહ્યું હતું કે કોઈ મારું ગેરકાયદે બાંધકામ નથી, તેથી પૈસા આપવાનો નથી. જેથી ઈમરાન સોલંકીએ પૈસા પડાવવા મહાનગરપાલિકામાં સતત અરજી કરી હતી.
સુરતના સૈયદપુરા પંપિંગ સ્ટેશન પાસે હિના પેલેસ ફ્લેટ નં. 402માં રહેતા 38 વર્ષીય બિલ્ડર તોસિફભાઈ મેહમુદભાઈ માસ્ટરે લાલગેટ લાલમિયાં મસ્જિદ પાસે વરિયાવા ટેકરો ઘર નં.7/2086/ડીવાળી જગ્યાએ જુલાઈ 2023માં બાંધકામ શરૂ કર્યું હતું. થોડા સમય બાદ કોંગ્રેસ પક્ષમાંથી ચૂંટણી જીતેલા અને હાલ ભૂતપૂર્વ કોર્પોરેટર ઈમરાન હસનભાઈ સોલંકીએ તોસિફભાઇને કહ્યું હતું કે આ બાંધકામ શરૂ કર્યું છે તે ગેરકાયદે છે, જેથી તમારે મને રૂ. 5 લાખ આપવા પડશે. નહીંતર તમારા બાંધકામનું ડિમોલેશન કરાવી નાખીશ. જોકે તોસિફભાઇએ પૈસા આપવાની ના પાડી હતી.




