ઉતરાયણ : પાંચ વર્ષના ધનંજયની સળિયાની સેવા!

અમદાવાદ: ઉતરાયણ આવે એટલે શહેરમાં પતંગની ધારદાર દોરીથી બચવા માટેના સળિયા વાહનો પર લગાડતા અસંખ્ય લોકો જોવા મળે. કેટલીક સામાજિક સંસ્થાઓના સ્વયં સેવકો, પોલીસ વિભાગ માર્ગો પર કાર્યક્રમોનું કરી ટુ વ્હીલર પર નિ:શુલ્ક સળિયા લગાડી આપે છે. પણ.. ગુજરાત યુનિવર્સિટીના દરવાજાની બહાર એક અનોખું દ્રશ્ય જોવા મળ્યું. પાંચ વર્ષનો જુનિયર કે.જીમાં અભ્યાસ કરતો બાળક એની બહેન સાથે રેડ ક્રોસનું જેકેટ પહેરી પેમ્ફલેટ વહેંચતો જોવા મળ્યો.દોરીથી લોકોને ઈજાના થાય એમાટે સલામતી આપતા સળિયા લગાડતી ટીમ સાથે પાંચ વર્ષનો ધનંજય એના પિતા અને બહેન સાથે સામાજિક કાર્યકર તરીકે અડીખમ ઉભો રહ્યો.રેડ ક્રોસ સોસાયટી સાથે મળી સામાજિક કાર્ય કરતા રાગ સંસ્થાના વિજય રાજપૂત ચિત્રલેખા.કોમને કહે છે, “સળિયા એ પતંગની ધારદાર દોરીને રોકવાનો એક પ્રયાસ છે. છેલ્લા દસ વર્ષ કરતાં વધારે સમયથી માર્ગ સલામતીની સાથે ઉતરાયણ વેળાએ ટુ વ્હીલર ચાલકો માટે સળિયા લગાડવાની સેવા આપીએ છીએ..પરંતુ આ વર્ષે સેવાનો વિશિષ્ટ આનંદ એટલા માટે થયો કે મારો પાંચ વર્ષનો દીકરો આ સેવામાં ઉત્સાહથી જોડાયો. મારી સામાજિક કાર્યકર તરીકેની પ્રવૃત્તિઓ જાણતા લોકો ધનંજયને જોઈ બોલી ઉઠી છે..’ મોરના ઈંડાને ચિતરવા ન પડે..!

(પ્રજ્ઞેશ વ્યાસ – અમદાવાદ)