નવી દિલ્હીઃ વર્ષ 2024 પૂરું થવામાં છે. આ વર્ષ ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે ઘણું સારું રહ્યું હતું. એવી ફિલ્મો આ વર્ષે રિલીઝ થઈ હતી, જેણે ફિલ્મમેકર્સ પર પૈસાનો વરસાદ કર્યો હતો. ‘કલ્કિ 2898 AD’થી માંડીને ‘પુષ્પા 2’ સુધી ફિલ્મોએ બોક્સઓફિસ પર અધધધ કમાણી કરી હતી.
આ વર્ષે બોક્સ ઓફિસ પર કુલ વર્લ્ડવાઇડ કલેક્શન રૂ. 9273,27 કરોડ રહ્યું હતું. ફિલ્મોએ હિન્દી ભાષામાં ચોખ્ખો રૂ. 3699.29 કરોડનો બિઝનેસ કર્યો હતો અને ગ્રોસ રૂ. 4534.67 કરોડની કમાણી કરી હતી. કુલ દરિયાપાર ફિલ્મોએ રૂ. 1111.05 કરોડની કમાણી કરી હતી.
વર્ષ 2024 હોરર કોમેડી ફિલ્મોને નામ રહ્યું હતું. નાના બજેટની ફિલ્મ ‘મુંજ્યા’એ ફેન્સને હસાવી-હસાવીને એટલા ડરાવ્યા કે ફિલ્મે રૂ. 126 કરોડનું વર્લ્ડવાઇડ કલેક્શન કર્યું હતું. આ સાથે ‘શૈતાને’ રૂ. 213.79 કરોડ, ‘ભુલભુલૈયા-3’એ રૂ. 389.26 કરોડ અને ‘સ્ત્રી-2’એ રૂ. 857.15 કરોડ વર્લ્ડવાઇડ કલેક્શન કર્યું હતું.
આ સિવાય ટોચની ફિલ્મોની યાદીમાં ફીમેલ લીડ ફિલ્મ ‘ક્રૂ’નું નામ પણ સામેલ છે. આ ફિલ્મમાં કરીના કપૂર, કૃતિ સેનન અને તબુ લીડ રોડમાં હતા. આ ફિલ્મે રૂ. 151.63 કરોડની કમાણી કરી હતી.
આ સાથે શાહિદ કપૂર અને કૃતિ સેનનની ફિલ્મ ‘તેરી બાતોમાં ઉલજા જિયા’એ રૂ. 139 કરોડનું કલેક્શન કર્યું હતું. જ્યારે ઋત્વિક રોશનની ‘ફાઇટરે’ પણ રૂ. 358.89 કરોડની કમાણી કરી હતી. ‘સિંઘમ અગેને’ વિશ્વમાં રૂ. 372.41 કરોડનો બિઝનેસ કર્યો હતો.
આ સાથે પ્રભાસની ફિલ્મ ‘કલ્કિ 2898 AD’એ અત્યાર સુધી રૂ. 1336.2 કરોડ એકત્ર કર્યા હતા. આ સિવાય વિશ્વમાં ‘હનુમાને’ રૂ. 295.29 કરોડ, ‘આર્ટિકલ 370’એ રૂ. 105.15 કરોડ, ‘શ્રીકાંતે’ રૂ. 60.59 કરોડ, ‘ચંદુ ચેમ્પિયને’ રૂ. 89.24 કરોડ, ‘બેડ ન્યૂઝે’ રૂ. 113.77 કરોડ અને ‘અમરને’ રૂ. 333.47 કરોડની કમાણી કરી હતી.