અમદાવાદઃ ઇફ્કો દ્વારા રાસાયણિક ખાતરના ભાવમાં વધારો જાહેર કરવામાં આવ્યો છે. તેને પગલે રાજ્યમાં ખેડૂતોમાં રોષ પ્રવર્તી રહ્યો છે. રાસાયણિક ખાતરના વધેલા ભાવ અંગે રાજકોટના ધોરાજીના ખેડૂતોએ પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. આ ભાવવધારાને અયોગ્ય ગણાવ્યો હતો. ખેડૂતોનો આક્ષેપ છે કે ખાતર વગર ઉનાળુ વાવેતર શક્ય નથી. એક તરફ દેશી ખાતર મળી નથી રહ્યું. અને બીજી તરફ રાસાયણિક ખાતરનો ભાવ વધારીને સરકાર ખેડૂતોની કમર તોડી રહી છે.
ઈક્ફોના ખાતરમાં એકઝાટકે તોતિંગ વધારો ઝીંકવામાં આવ્યો છે. એનપીકે ખાતરની 50 કિલોની એક ગુણ પર ઈફ્કો દ્વારા સીધો 250 રૂપિયાનો વધારો જાહેર કરવામાં આવ્યો છે. આમ, 2025ની શરૂઆતથી જ ખેડૂતો પર મોંઘવારીનો માર ઝીંકાયો છે. ખેડૂતોએ આક્રોશ વ્યક્ત કરતાં કહ્યું હતું કે આ ભાવવધારો ખેડૂતો માટે આત્મઘાતી નીવડશે. ખાતરની જરૂર છે ત્યારે જ સરકારે ખેડૂતોને મોટો ઝટકો આપ્યો છે. આ ભાવવધારાથી ખેડૂતો દેવાદાર બની જશે.
ખેડૂતો દ્વારા ઉનાળુ પાકમાં મોટા પાયે મગફળી, તલ, મકાઈ, કઠોળ અને ડુંગળીનું વાવેતર કરવામાં આવતું હોય છે. જેમાં ખાતરની જરૂર પડે છે. ખેડૂતોને તેમની જણસના પૂરા ભાવ મળી રહ્યા નથી. આ ઉપરથી ઈફ્કોએ રાસાયણિક ખાતરમાં 50 કિલોની બેગ દીઠ રૂપિયા 250નો વધારો કર્યો છે. ખેડૂતોનો આક્ષેપ છે કે આવી રીતે ભાવ વધારીને તંત્ર ખેડૂતોને આત્મહત્યા તરફ ધકેલી રહ્યું છે.