મોદીની સરકાર બની પણ ગઈ તો લાંબો સમય ટકશે નહીં

મુંબઈ: લોકસભા ચૂંટણી 2024ના પરિણામો જાહેર થયા બાદ ભાજપની આગેવાની હેઠળ એનડીએ ફરી એકવાર સરકાર બનાવવા જઈ રહી છે. મંગળવારે જાહેર થયેલા પરિણામોમાં એક તરફ NDAએ બહુમતી મેળવી છે, તો બીજી તરફ વિપક્ષી ગઠબંધન INDIAએ પણ જોરદાર ટક્કર આપી છે. જોકે, વિપક્ષી ગઠબંધન INDIAએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ હાલમાં સરકાર બનાવવાનું વિચારી રહ્યા નથી. તેમણે કહ્યું કે તેઓ યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેશે. નરેન્દ્ર મોદી એનડીએ વતી ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લેવા જઈ રહ્યા છે. આ દરમિયાન શિવસેના (UBT) નેતા સંજય રાઉતે પ્રતિક્રિયા આપી. તેમણે દાવો કર્યો હતો કે જો એનડીએ સરકાર બનશે તો આ સરકાર લાંબો સમય ટકી શકશે નહીં.

સંજય રાઉતે કહ્યું, “હું આ વાત વારંવાર કહું છું. મોદીજીની સરકાર નહીં બને. જો તેમની સરકાર બનશે તો તે ટકશે નહીં.” તેમણે આગળ કહ્યું, “શું તમને નથી લાગતું કે શિવસેના (UBT) એ કોંગ્રેસના મતો વધારવામાં મહત્વની ભૂમિકા ભજવી છે? જો એવુ હોત તો શું શિવસેના (UBT) અને ઉદ્ધવ ઠાકરે સમગ્ર મહારાષ્ટ્રમાં ન ગયા હોત? મહાવિકાસ અઘાડી મજબૂત રીતે કામ કરશે અને અમારા મનમાં કોઈ અહંકાર નથી.”

સંજય રાઉતે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના રાજીનામાની ઓફર પર પણ ઝાટકણી કાઢી હતી. તેમણે કહ્યું કે, “રાજકારણમાં આવી યુક્તિઓ સામાન્ય છે. મહારાષ્ટ્રે ફડણવીસના નેતૃત્વને નકારી કાઢ્યું છે. દેવેન્દ્ર ફડણવીસ મહારાષ્ટ્રના રાજકારણના ખલનાયક છે. તેમના કારણે મહારાષ્ટ્રમાં બીજેપી સાથે ખરાબ વસ્તુઓ થઈ હતી. તેમણે મહારાષ્ટ્રની રાજનીતિમાં ઝેર ઓક્યું હતું. હવે તેમને તેનુ પરિણામ ભોગવવું પડશે.”

નરેન્દ્ર મોદી ત્રીજી વખત વડાપ્રધાન બનશે

તમને જણાવી દઈએ કે લોકસભા ચૂંટણીમાં શિવસેના (UBT)એ મહારાષ્ટ્રની 48 લોકસભા સીટોમાંથી 9 સીટો જીતી છે. જ્યારે કોંગ્રેસે 13 બેઠકો, ભાજપે નવ, એનસીપી-એસપીએ આઠ, શિવસેનાએ સાત અને એનસીપીએ એક બેઠક જીતી હતી. દેશની 543 લોકસભા બેઠકોમાંથી ભાજપની આગેવાની હેઠળની એનડીએ 292 અને INDIAએ 234 બેઠકો જીતી છે. NDAની આ જીત સાથે નરેન્દ્ર મોદી 8મી જૂને ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લેવા જઈ રહ્યા છે.