નવી દિલ્હી: 1999માં દિલ્હીમાં મોડેલ જેસિકા લાલની કરાયેલી હત્યા દેશના સૌથી ચર્ચિત કેસોમાંનો એક રહ્યો છે. એ ઘટનામાં મોડલ જેસિકા લાલની ગોળી મારી હત્યા કરવામાં આવી હતી. અપરાધી મનુ શર્માને 1 જૂન 2020ના રોજ દિલ્હીના ઉપ રાજ્યપાલ અનિલ બૈજલે મનુ શર્માના ‘સારા વર્તાવ’ ને આધારે સમય પહેલા જ સજા માફ કરવાનો આદેશ આપ્યો છે. બોલિવુડ અભિનેત્રી વિદ્યા બાલન આ નિર્ણયથી ખુશ નથી.
વિદ્યા બાલને 2011માં આ ઘટના પર બનેલી ફિલ્મ ‘નો વન કિલ્ડ જેસિકા’ માં જેસિકા લાલની મોટી બહેન સબરીના લાલનો રોલ કર્યો હતો. મનુ શર્માને સજામાંથી મુક્ત કરવાના નિર્ણયને વિદ્યાએ ખોટો ગણાવ્યો છે. વિદ્યા બાલને કહ્યું કે, મને લાગે છે કે આવા લોકો માટે કોઈ પણ સજા ઓછી પડે. શક્ય છે કે, તે સુધરી ગયો હોય. હું આશા રાખું કે, તે સુધરી ગયો હોય.
મનુ શર્મા હરિયાણા કોંગ્રેસના નેતા વિનોદ શર્માનો પુત્ર છે. 30 મે 1999માં એક રેસ્ટોરન્ટ-કમ-બારમાં પોતાને દારુ આપવાની મનાઈ કરવા પર મનુ શર્માએ જેસિકાની ગોળી મારી હત્યા કરી દીધી હતી. ત્યારપછી લગભગ 7 વર્ષ સુધી કોર્ટમાં કેસ ચાલ્યા બાદ મનુ શર્માને આજીવન જેલની સજા સંભળાવી હતી.
મહત્વનું છે કે, વર્ષ 2011માં રાજ કુમાર ગુપ્તાએ આ ઘટના પર એક ફિલ્મ બનાવી હતી ‘નો વન કિલ્ડ જેસિકા’. એ ફિલ્મમાં વિદ્યા બાલન ઉપરાંત રાની મુખર્જી પણ હતી જે એક ટીવી પત્રકારના પાત્રમાં હતી.