ચેન્નાઈઃ દક્ષિણ ભારતીય તેમજ હિન્દી ફિલ્મોના જાણીતા પાર્શ્વગાયક એસ.પી. બાલસુબ્રમણ્યમનું કોરોના વાઈરસની બીમારીને કારણે આજે અહીં અવસાન થયું છે. એ 74 વર્ષના હતા. તેઓ છેલ્લા એક મહિનાથી અહીંની એમજીએમ હેલ્થકેર હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા અને કોરોના બીમારી સામે ઝઝૂમી રહ્યા હતા. આખરે આજે બપોરે 1.04 વાગ્યે એમણે અંતિમ શ્વાસ લીધો હતો.
એમજીએમ હેલ્થકેરનાં આસિસ્ટન્ટ ડાયરેક્ટર (મેડિકલ સર્વિસીસ) ડો. અનુરાધા ભાસ્કરને એક નિવેદનમાં કહ્યું છે કે છેલ્લા 24 કલાકમાં બાલસુબ્રમણ્યમની તબિયત વધારે બગડી હતી. તેઓ લાઈફ સપોર્ટ સિસ્ટમ પર જ હતા અને એમની તબિયત અત્યંત ગંભીર બની ગઈ હતી.
કોરોનાના લક્ષણ જણાયા બાદ બાલસુબ્રમણ્યમને ગઈ પાંચ ઓગસ્ટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ પહેલી વાર 13 ઓગસ્ટે એમની તબિયત બગડી હતી અને એમને ઈન્ટેન્સિવ કેર યુનિટમાં ખસેડવામાં આવ્યા હતા અને લાઈફ સપોર્ટ સિસ્ટમ પર મૂકવામાં આવ્યા હતા.
ત્યારબાદ 19 ઓગસ્ટે એમની તબિયત વધારે બગડી હતી.
ઓગસ્ટના અંતે તેઓ સંપૂર્ણપણે ભાનમાં આવી ગયા હતા અને સારવારમાં પ્રતિસાદ પણ આપતા થયા હતા.
3 સપ્ટેમ્બરે તો હોસ્પિટલે જણાવ્યું પણ હતું કે બાલસુબ્રમણ્યમની તબિયત સ્થિર છે, તેઓ ભાનમાં છે અને સારવારને સારો પ્રતિસાદ આપી રહ્યા છે. એમના સ્વાસ્થ્યમાં સતત સુધારો થતો જણાય છે, પરંતુ અમુક દિવસો બાદ એમની તબિયત વધારે બગડી હતી અને એમને આઈસીયૂમાં જ અને ઈસીએમઓ તથા વેન્ટીલેટર સપોર્ટ પર મૂકવા પડ્યા હતા.
એસ.પી. બાલસુબ્રમણ્યમે ગાયકીના ક્ષેત્રમાં એમની અલગ પહેચાન બનાવી હતી. 1989માં સલમાન ખાન અને ભાગ્યશ્રી અભિનીત સુપરહિટ ફિલ્મ ‘મૈંને પ્યાર કિયા’માં એમણે સલમાન માટે ગાયેલા તમામ ગીત સુપરહિટ થયા છે. સલમાનની કારકિર્દીના આરંભની ફિલ્મોનાં ઘણા ગીતો બાલસુબ્રમણ્યમે ગાયા હતા.
બાલસુબ્રમણ્યમે સલમાન ઉપરાંત અન્ય અભિનેતાઓ માટે પણ ગીતોમાં પોતાનો સ્વર આપ્યો હતો.
બાલસુબ્રમણ્યમે 16 ભાષાઓમાં 40 હજારથી વધારે ગીતો ગાયા છે. એમને ચાર ભાષા – કન્નડ, તેલુગુ, તામિલ અને હિન્દીના ગીતો માટે 6 વખત ‘સર્વશ્રેષ્ઠ ગાયક’નો રાષ્ટ્રીય પુરસ્કાર આપવામાં આવ્યો હતો. ભારત સરકારે એમને 2001માં ‘પદ્મશ્રી’ અને 2011માં ‘પદ્મભૂષણ’ ખિતાબથી સમ્માનિત કર્યા હતા.