‘બાગી-2’ ફિલ્મમાં ટાઈગર શ્રોફનો જોશીલો લુક

મુંબઈ – આગામી નવી હિન્દી ફિલ્મ ‘બાગી-2’નો ફર્સ્ટ લુક રિલીઝ કરવામાં આવ્યો છે, જેમાં એના હીરો ટાઈગર શ્રોફનો જોશીલો લુક જોવા મળ્યો છે.

ટાઈગર શ્રોફ હાલમાં એની ઍક્શન થ્રિલર ફિલ્મ ‘બાગી-2’ના શૂટિંગમાં વ્યસ્ત છે અને એમાંનો એનો ફોટો સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યો છે. ફોટોમાંના એના લુક પરથી એ ઍક્શન સીનની શૂટિંગ કરી રહ્યો હોય એવું અનુમાન થાય છે.

તસવીરમાં ટાઈગર દમદાર જોશીલો દેખાય છે, જેના શરીર પર લોહી દેખાય છે. સોશિયલ મિડિયા પર એનો આ લુક ઘણો પસંદ કરાયો છે. આ ફિલ્મમાં ટાઈગરના જોરદાર ઍક્શન સ્ટંટ જોવા મળશે. આ માટે ટાઈગર ઘણી મહેનત કરી રહ્યો છે જેના માટે એણે 5 કિલો વજન વધાર્યું છે. જિમ વર્કઆઉટ વિશેના પોતાના ફોટા ટાઈગર સોશિયલ મિડિયા પર અવારનવાર મૂકતો રહે છે.

ફિલ્મ ‘બાગી-2’ વર્ષ 2016માં બનેલી ફિલ્મ બાગીની સિક્વલ છે, જેમાં ટાઈગરની હિરોઈન શ્રદ્ધા કપૂર હતી અને એ મૂવીનું બોક્સ-ઓફિસ કલેક્શન ઘણું સારું હતું. ‘બાગી-2’નો રોલ કરવા શ્રદ્ધા ઘણી ઉત્સુક હતી. પરંતુ આ મૂવી માટે ટાઈગરની રિયલ લાઈફની ગર્લફ્રેન્ડ દિશા પટનીને કાસ્ટ કરવામાં આવી છે. લુક ટેસ્ટમાં ટાઈગર અને દિશાની કેમિસ્ટ્રી જામી હતી તેથી નિર્માતાએ શ્રદ્ધાને આ વખતે તક નથી આપી.

આ ફિલ્મ સાજિદ નડિયાદવાલા બૅનર હેઠળ બની રહી છે જેનું દિગ્દર્શન અહમદ ખાન કરી રહ્યા છે. અગાઉની ફિલ્મ ‘બાગી’ના દિગ્દર્શક શબ્બીર ખાન હતા. ટાઈગર ‘બાગી-2’માં ડબલ રોલ કરી રહ્યો છે અને બંને લુક અલગ દેખાય એ માટે મુંડન સુદ્ધાં કરાવી દીધું છે. ‘બાગી-2’ આવતા વર્ષની 27 એપ્રિલે રિલીઝ થશે.

ટાઈગર અને દિશા પટનીએ અગાઉ એક વિડિયો સોન્ગ સાથે પરફોર્મ કર્યું છે. અને ઘણીવાર તેઓ સાથે જોવા મળે છે. જો કે એ બંને એકબીજાને સારા મિત્ર ગણાવી રહ્યા છે. ટાઈગરની પાછલી ફિલ્મ ‘મુન્ના માઈકલ’ હતી જેનો બોક્સ-ઓફિસ પર દેખાવ સારો નહોતો.  દિશા પટની આ વર્ષે રિલીઝ થયેલી ફિલ્મ ‘કુંગ ફૂ યોગા’માં જેકી ચેન સાથે અભિનય કરતી જોવા મળી હતી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]