મુંબઈ – પટકથાલેખક, સંવાદલેખક અને ગીતકાર તરીકે જાણીતા વિજય કૃષ્ણ આચાર્ય દિગ્દર્શિત ‘ઠગ્સ ઓફ હિન્દુસ્તાન’ ફિલ્મના ટ્રેલર વિશે ઘણી ઉત્કંઠા હતી. ટ્રેલર આજે રિલીઝ થતાં એ ઉત્કંઠાનો અંત આવી ગયો છે, પણ ટ્રેલર જોયા પછી નિરાશા ઉપજે છે એવું ટોચના સમીક્ષક સુભાષ ઝા લખે છે. એકમાત્ર આમિર ખાન પ્રભાવિત કરે છે.
ટ્રેલર એક રસપ્રદ સમયગાળા સાથે શરૂ થાય છે જેમાં દિગ્ગજ કલાકાર અમિતાભ બચ્ચનનો સ્વર સંભળાય છે. ટ્રેલરની શરૂઆત જોઈને હોલીવૂડની ફિલ્મ ‘ધ પાઈરેટ્સ ઓફ કેરિબિયન’ યાદ તાજી થઈ.
ટ્રેલરમાં બચ્ચનને ‘લગાન’ યુગના સમુદ્રી ચાંચિયા તરીકે બતાવવામાં આવ્યા છે. એમની ટોળકીમાં એક બહાદુર છોકરી પણ છે – ફાતિમા સના શેખ. ‘દંગલ’ બાદ ‘ઠગ્સ…’માં પોતાની અભિનયશક્તિનો ફરી પરચો બતાવવાની ફાતિમાને તક મળી છે.
કેટરીના કૈફ આઈટમ સોંગ કરતી જોવા મળે છે. એ અહીં ફરી ‘ચીકની ચમેલી’ બની છે.
ખાન-બચ્ચનની ટક્કર ટ્રેલર અને ફિલ્મનું રસપ્રદ પાસું છે.
બેકગ્રાઉન્ડ મ્યુઝિક ‘ધૂમ’ના રીમિક્સ જેવું અને થોડુંક ‘Depp’ જેવું છે.
‘ઠગ્સ ઓફ હિન્દુસ્તાન’ કોઈ નવલકથા પર આધારિત નથીઃ દિગ્દર્શક
આ ફિલ્મ જાણીતા અંગ્રેજી લેખક ફિલીપ મીડોઝ ટેલરે 1839માં લખેલી નવલકથા ‘કન્ફેશન્સ ઓફ અ ઠગ’ પર આધારિત હોવાના દાવાને ફિલ્મના દિગ્દર્શક વિજય કૃષ્ણ આચાર્યએ નકારી કાઢ્યા છે.
ફિલ્મના ટ્રેલરના લોન્ચ પ્રસંગે પત્રકારો સાથે વાતચીત કરતાં આચાર્યએ કહ્યું કે, ‘આ ફિલ્મના ટાઈટલમાં ‘ઠગ’ શબ્દ વાપરવામાં આવ્યો છે એટલે ઘણાએ એવું માની લીધું કે તે ‘કન્ફેશન્સ ઓફ અ ઠગ’ નવલકથા પર આધારિત છે, પરંતુ નવલકથા અને મારી ફિલ્મ સાથે કોઈ સંબંધ નથી. આ ફિલ્મ ભારતના દર્શકોએ આ પહેલાં ક્યારેય જોઈ નહીં હોય એવા પ્રકારની પીરિયડ (ઐતિહાસિક) છે. આપણે ત્યાં અત્યાર સુધીમાં જે પીરિયડ ફિલ્મો બની છે તે ઘણી જ ક્રાંતિકારી ઐતિહાસિક રહી છે. તેથી અમે એવા પાત્રવાળી ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું જે એટલો બધો સારો કે ધાર્મિક કે સિદ્ધાંતવાદી ન હોય. મને લાગે છે કે ફિલ્મને આકર્ષક બનાવવાથી જ લોકોને થિયેટરો ભણી લાવી શકાય.’
ટ્રેલર લોન્ચ પ્રસંગે અમિતાભ બચ્ચન, આમિર ખાન, કૈટરીના કૈફ અને ફાતિમા સના શેખ પણ ઉપસ્થિત રહ્યાં હતાં.
આમિર ખાન આ પહેલાં ‘લગાન’, ‘મંગલ પાંડેઃ ધ રાઈઝિંગ’ જેવી પીરિયડ ફિલ્મોમાં કામ કરી ચૂક્યો છે. શું ‘ઠગ્સ ઓફ હિન્દુસ્તાન’ ફિલ્મ પસંદ કરવા પાછળ તારું કોઈ ચોક્કસ કારણ હતું? એવા એક સવાલના જવાબમાં આમિરે કહ્યું કે, ‘મારે માટે વાર્તા મહત્ત્વની હોય છે. પછી એ ફિલ્મ ઐતિહાસિક હોય કે નહીં તેનાથી કોઈ ફરક પડતો નથી. મેં આપણી ઈન્ડસ્ટ્રીમાં ઠગ્સ ઓફ હિન્દુસ્તાન જેવી ફિલ્મ અગાઉ ક્યારેય જોઈ નથી. મને મારું પાત્ર બહુ જ ગમ્યું હતું, જે દિગ્દર્શકે પોતે લખ્યું છે.’
રૂ. 300 કરોડના બજેટવાળી ફિલ્મ ‘ઠગ્સ ઓફ હિન્દુસ્તાન’ યશરાજ ફિલ્મ્સ બેનર હેઠળ બનેલી અત્યાર સુધીની સૌથી ખર્ચાળ ફિલ્મ છે.
આ ફિલ્મમાં બ્રિટિશ એક્ટર લોઈડ ઓવને પણ અભિનય કર્યો છે.
ફિલ્મ 8 નવેંબરે, દિવાળીના તહેવાર પર રિલીઝ થવાની છે.
httpss://youtu.be/zI-Pux4uaqM