સલમાનને ધમકી આપનાર 3-એપ્રિલ સુધી પોલીસ કસ્ટડીમાં

મુંબઈઃ બોલીવુડ અભિનેતા સલમાન ખાનને ઈમેલના માધ્યમથી જાનથી મારી નાખવાની ધમકી આપનાર શખ્સ ધાકડ રામને સ્થાનિક અદાલતે 3 એપ્રિલ સુધી પોલીસ કસ્ટડીમાં રાખવાનો આદેશ આપ્યો છે જેથી આ કેસમાં પોલીસ યોગ્ય રીતે તપાસ હાથ ધરી શકે.

આરોપી રાજસ્થાનના જોધપુર જિલ્લાના લુની ગામનો રહેવાસી છે. મુંબઈના બાન્દ્રા પોલીસ સ્ટેશન અને લુની નગરના પોલીસ મથકના જવાનોએ ગઈ કાલે સાથે મળીને ઓપરેશન હાથ ધરીને ધાકડની ધરપકડ કરી હતી. બાદમાં મુંબઈ પોલીસ ધાકડનો કબજો લઈ એને મુંબઈ લાવી હતી.

સલમાન ખાનને વારંવાર મળતી ધમકીઓને ધ્યાનમાં લઈને મહારાષ્ટ્ર સરકારના આદેશને પગલે મુંબઈ પોલીસે એક્ટરને વાઈ-પ્લસ કેટેગરીનું સુરક્ષા કવચ પૂરું પાડ્યું છે.