મુંબઈઃ હિન્દી ફિલ્મ ઉદ્યોગમાં સૌથી પ્રતિષ્ઠિત એવા ફિલ્મફેર એવોર્ડ્સની આગામી 68મી આવૃત્તિ માટેનો સમારોહ આવતી 27 એપ્રિલે અહીં બીકેસી વિસ્તારસ્થિત જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટર ખાતે યોજવામાં આવશે. વર્ષ 2022માં રિલીઝ થયેલી હિન્દી ફિલ્મોનાં સર્વશ્રેષ્ઠ કલાકારો અને કસબીઓને એમની ઉત્કૃષ્ટ અદાકારી અને કામગીરી બદલ આ સમારોહમાં એવોર્ડથી નવાજવામાં આવશે.
68મા ફિલ્મ એવોર્ડ્સ-2023ને હ્યુન્દાઈ અને મહારાષ્ટ્ર ટુરિઝમનો સહયોગ પ્રાપ્ત થયો છે. એવોર્ડ્સ વિતરણની સાથે આ સમારોહ મનોરંજનથી પણ ભરપૂર હશે. સુપરસ્ટાર સલમાન ખાન પહેલી જ વાર આ એવોર્ડ્સ સમારોહમાં સંચાલક તરીકે ભૂમિકા ભજવશે. તેનો સહ-સંચાલક હશે મનીષ પૌલ. સ્ટેજ પર વિકી કૌશલ, ટાઈગર શ્રોફ, જ્હાન્વી કપૂર અને જેક્લીન ફર્નાન્ડિસ જેવા કલાકારો પરફોર્મ કરશે.
આ ગ્લેમરસ સમારોહ-એવોર્ડ્સ નાઈટનું 28 એપ્રિલે રાતે 9 વાગ્યે કલર્સ ચેનલ પર પ્રસારણ કરવામાં આવશે.
