‘સુપર 30’ ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરાયું, હૃતિક રોશન બન્યો છે ગણિતનો શિક્ષક

મુંબઈ – હૃતિક રોશનને એકદમ નવા જ લુક અને રોલમાં ચમકાવતી હિન્દી ફિલ્મ ‘સુપર 30’નું ટ્રેલર આજે રિલીઝ કરવામાં આવ્યું છે.

આ ફિલ્મના દિગ્દર્શક વિકાસ બહલ જાતીય સતામણીના આરોપમાં ફસાયા હતા ત્યારથી આ ફિલ્મ પણ વિવાદમાં ફસાયેલી રહી છે. ફિલ્મના નિર્માણમાં અનેક ચડતી-પડતી આવી છે.

આ ફિલ્મ પહેલાં 2019ના જાન્યુઆરીમાં રિલીઝ કરવાનું નિર્ધારિત કરાયું હતું, પણ એક યા બીજા કારણસર એની તારીખ પાછી ઠેલાતી રહી.

httpss://twitter.com/iHrithik/status/1135818226515042304

આજે રિલીઝ કરાયેલા ફિલ્મના ટ્રેલરમાં હૃતિક રોશનને એકદમ નવા જ રૂપમાં જોવા મળ્યો છે. એ ગણિતશિક્ષક આનંદ કુમારનો રોલ કરી રહ્યો છે.

આ ફિલ્મ ગણિતજ્ઞ આનંદ કુમારના જીવન પર આધારિત છે. આનંદ કુમાર સમાજના ગરીબ અને વંચિત વર્ગોના બાળકોને ભણાવે છે અને દર વર્ષે એમને આઈઆઈટી એન્ટ્રન્સ પરીક્ષા માટે કાબેલ બનાવે છે. કુમારના ‘સુપર 30’ કોચિંગ ક્લાસમાંથી દર વર્ષે કેટલાક વિદ્યાર્થીઓ દેશભરની આઈઆઈટી સંસ્થાઓમાંથી પાસ થવામાં સફળ થાય છે. અમુક અખબારી અહેવાલો અનુસાર, 2018માં, ગણિતજ્ઞ કુમાર છેતરપીંડીથી પરિણામો લાવવાના કૌભાંડમાં સપડાય છે.

ફિલ્મના નિર્માતાઓએ જોકે એમની આ ફિલ્મને કોઈ બાયોપિક તરીકે ઓળખાવી નથી.

ફિલ્મમાં હૃતિક રોશનનું પાત્ર પટનાનાં કોઈક સ્થળે ચોક્કસ પ્રકારનો ડાયલોગ બોલતો સંભળાય છે. આ ફિલ્મની વાર્તા પટના પર આધારિત છે.

ફિલ્મમાં પંકજ ત્રિપાઠી અને મૃણાલ ઠાકુર, અમિત સાઢ નંદિશ સંધુ જેવા કલાકારોએ પણ ભૂમિકા ભજવી છે.

રિલાયન્સ એન્ટરટેનમેન્ટ અને ફેન્ટમ ફિલ્મ્સ દ્વારા નિર્મિત આ ફિલ્મ આવતી 12 જુલાઈએ રિલીઝ થવાની છે.

httpss://youtu.be/QpvEWVVnICE