કોરોના સામેના જંગમાં મદદ માટે આગળ આવ્યો શાહરૂખ; કરી મહત્ત્વની જાહેરાતો

Juhi Chawla Mehta and Jay Mehta

મુંબઈઃ બોલીવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાને પણ કોરોના વાઈરસ સામેની લડાઈમાં ઝુકાવી દીધું છે અને જાહેરાત કરી છે કે પોતે કોરોનાથી પીડિત લોકોની પોતાનાથી સંભવિત તમામ મદદ કરશે.

શાહરૂખે કહ્યું છે કે કોરોના સામેના કાર્યની વિશાળતા જોઈને મેં અને મારી ટીમે અમારી પોતાની રીતે યોગદાન કરવા માટેના પ્રકારો વિશે ચર્ચા કરી છે. અમે ઘણી પહેલ કરી રહ્યા છીએ. અમને આશા છે કે અમે નાનકડા પરિવર્તન માટે પ્રયાસ કરીશું.

શાહરૂખે કોરોના વિરુદ્ધના જંગ માટે દાન આપવાની જાહેરાત કરી છે. લોકોને જમવાનું પૂરું પાડવા, ઉપકરણો પૂરા પાડવા, વડા પ્રધાન કેર્સ ફંડ તેમજ મહારાષ્ટ્ર મુખ્ય પ્રધાન રાહત ફંડમાં પણ દાન આપવાના સંકલ્પની જાહેરાત કરી છે, પણ પોતે કેટલી રકમનું દાન કરશે એ જાહેર કર્યું નથી.

શાહરૂખે કરેલી જાહેરાતો આ મુજબ કરી છેઃ

  • પોતે, એની પત્ની ગૌરી ખાન, જુહી ચાવલા અને એમના પતિ જય મહેતાની સહ-માલિકીની આઈપીએલ ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સ પીએમ કેર્સ ફંડમાં દાન કરશે.
  • ગૌરી શાહરૂખ ખાનની માલિકીની મનોરંજન કંપની (ફિલ્મ પ્રોડક્શન કંપની) રેડ ચિલીઝ એન્ટરટેનમેન્ટ કંપની મહારાષ્ટ્ર સીએમ રાહત ફંડમાં દાન કરશે.
  • કોલકાતા નાઈટરાઈડર્સ અને મીર ફાઉન્ડેશન પશ્ચિમ બંગાળ અને મહારાષ્ટ્રમાં હેલ્થ વર્કર્સને 5000 પીપીઈ (પર્સનલ પ્રોટેક્ટિવ ઈક્વિપમેન્ટ્સ) કિટ્સ આપશે.
  • એક સાથ – ધ અર્થ ફાઉન્ડેશન સંસ્થાઓ સાથે મળીને મુંબઈમાં લગભગ 5,500 પરિવારોને એક મહિના સુધી જમવાનું પૂરું પાડશે. તે ઉપરાંત એક કિચન પણ બનાવવામાં આવશે, જ્યાં લગભગ 2000 જેટલા એવા લોકો માટે જમવાનું બનાવાશે જેમની પાસે જમવાનું પહોંચી શકતું નથી.
  • રોટી ફાઉન્ડેશન અને મીર ફાઉન્ડેશન સંસ્થાઓ સાથે મળીને રોજ 10 હજાર લોકો માટે એ મહિના સુધી ત્રણમ લાખ ભોજન કિટ્સ ઉપલબ્ધ કરાવશે.
  • વર્કિંગ પીપલ્સ ચાર્ટરઃ મીર ફાઉન્ડેશન  દિલ્હીમાં 2,500 મજૂરોને એક મહિના સુધી જરૂરી કરિયાણાની ચીજવસ્તુઓ પૂરી પાડશે.
  • મીર ફાઉન્ડેશન ઉત્તર પ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ અને ઉત્તરાખંડમાં 100 એસિડ એટેક પીડિતોને માસિક ભથ્થું આપશે.

શાહરૂખે જણાવ્યું છે કે, આ સમયમાં એ લોકો કામ કરીએ જે આપણા માટે અથાગ રીતે કામગીરી બજાવી રહ્યા છે, જેનો આપણી સાથે કોઈ સંબંધ પણ નથી, એકબીજા સાવ અજાણ્યા છીએ, પરંતુ આપણે એમને એહસાસ કરાવવાનો છે કે તેઓ એકલા નથી. ચાલો, આપણે સુનિશ્ચિત કરીએ કે આપણે સહુ યોગદાન દઈએ અને એકબીજાની સંભાળ રાખીએ. ભારત અને તમામ ભારતીયો એક પરિવાર છે.

ઉલ્લેખનીય છે કે અન્ય બોલીવૂડ સુપરસ્ટાર અક્ષય કુમારે વડા પ્રધાન કેર્સ ફંડમાં 25 કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરી છે.