ન્યૂયોર્કઃ હોલીવુડની સુપરહિટ ફિલ્મ ‘સ્પાઈડરમેન’ની શ્રેણીની નવી ફિલ્મ ‘સ્પાઈડરમેનઃ નો વે હોમ’નું ટ્રેલર ઈન્ટરનેટ પર લીક થઈ જતા ધમાલ મચી ગઈ છે. જોન વોટ્સ દિગ્દર્શિત આ ફિલ્મ આ વર્ષના ડિસેમ્બરમાં રિલીઝ થવાની છે, પરંતુ ટ્રેલર લીક થઈ જતાં ફિલ્મના નિર્માતા ફિલ્મની રિલીઝ તારીખને કદાચ પાછી ઠેલે એવી સંભાવના છે. નિર્માતા પરેશાન થઈ ગયા છે અને ટ્રેલરને ઓનલાઈન સાઈટ્સ પરથી હટાવવા મહેનત કરી રહ્યા છે. અનેક ચાહકોએ આ ફિલ્મના ટ્રેલરના વિડિયોને ટ્વિટર, યૂટ્યૂબ, રેડિટ તથા અન્ય ઘણા પ્લેટફોર્મ્સ પર પોસ્ટ કર્યો છે. હાલ ફિલ્મના આ લીક થયેલા વિડિયો પર કોપીરાઈટનું ડિસ્ક્લેમર ચલાવવામાં આવી રહ્યું છે. વિડિયોમાં સોની પિક્ચર્સ મૂવી અને ફિલ્મની સામગ્રીને સંબંધિત ડિસ્ક્લેમર દર્શાવવામાં આવ્યું છે. આ વિડિયો મોબાઈલ સ્ક્રીનનું રેકોર્ડિંગ છે. લીક થયેલા ટ્રેલર પર મોટું વોટરમાર્ક પણ જોવા મળે છે. દુનિયાભરમાં લોકો આને શેર કરી રહ્યાં છે અને મજા માણી રહ્યાં છે. ઈન્ટરનેટ યૂઝર્સ તો ટ્રેલર લીક થવાથી ઘણા જ ખુશ છે. જે વ્યક્તિએ આ ટ્રેલર લીક કર્યું હોય એની તેઓ પ્રશંસા કરી રહ્યાં છે. ટ્વિટર પર તો લોકો ટ્રેલર લીક થવા તેમજ નિર્માતાઓમાં મચી ગયેલી અફડાતફડીની ઘટના સંબંધિત અસંખ્ય રમૂજી મીમ્સ પણ મૂકવા માંડ્યા છે. લીક થયેલા ટ્રેલરની ક્વાલિટી વિશે પણ ઘણા યૂઝર્સે ફરિયાદ કરી છે.
માર્વલ કોમિક્સના પાત્ર ‘સ્પાઈડર-મેન’ પર આધારિત અમેરિકન સુપરહિરો પર આધારિત આ સિરીઝની પહેલી ફિલ્મ ‘સ્પાઈડર-મેન’ 2002માં આવી હતી. ત્યારબાદ 2004માં ‘સ્પાઈડરમેન-2’, 2007માં ‘સ્પાઈડરમેન-3’, 2012માં ‘ધ અમેઝિંગ સ્પાઈડરમેન’ અને 2014માં ‘ધ અમેઝિં સ્પાઈડરમેન-2’ ફિલ્મ આવી હતી. આગામી ફિલ્મમાં સ્પાઈડરમેનનું પાત્ર ટોમ હોલેન્ડ ભજવવાના છે.