પોતે દોરેલા ચિત્રોની હરાજી કરી મજૂરોને મદદ કરશે સોનાક્ષી

મુંબઈઃ ફિલ્મ અભિનેત્રી સોનાક્ષી સિન્હા હાલ કોરોના વાઈરસ-લોકડાઉનને કારણે એનાં મિત્રોને ખૂબ યાદ કરી રહી છે અને જલદી કામ પર પાછી ફરવા માગે છે. તે કહે છે, આપણે ઘરે રહીને આ વાઇરસનો ફેલાવો અટકાવીએ શકીએ છીએ, જેથી લોકડાઉનમાં ઘરે રહેવામાં મને કોઈ વાંધો નથી. આ અભિનેત્રીને આ રોગચાળા દરમ્યાન ઘરના સભ્યો સાથે રહેવાનો અનુભવ મજાનો લાગ્યો છે અને કહે છે કે આ કટોકટી કાળમાં દરેક જણને કેટલીક બાબતોનો ખ્યાલ આવી ગયો હશે. હું મિત્રોને ખૂબ યાદ કરું છું પણ વર્તમાન પરિસ્થિતિમાં કેટલીક બાબતો જોઈએ તો લોકડાઉનથી મને કોઈ પરેશાની નથી. ઊલટું આપણે આ વાઇરસને ફેલાતો રોકી શકીએ છે. જેથી બધાએ આ બાબતનું ધ્યાનમાં રાખવું જોઈએ.

લોકડાઉનમાં સૌથી પડકારજનક બાબત કઈ છે? એ વિશે પૂછતાં સોનાક્ષીએ કહ્યું કે કાંઈ પણ નહીં. હું નસીબદાર છું કે હું મારા ફેમિલી સાથે મારા ઘરમાં છું. જ્યારે તમે આસપાસ નજર દોડાવો છો અને જુઓ છો કે ઘણા લોકો તેમના ઘર-પરિવારથી દૂર છે, ત્યારે તમને એ પડકારજનક લાગે છે. મારું હૃદય તેમને મદદ કરવા ઇચ્છે કે હું તેમની કઈ રીતે મદદ કરી શકું?. અભિનેત્રી સમજે છે કે આ કપરા સમયમાં આપણે બધા સાથે છીએ અને આશા રાખીએ કે બધાનું સારું થાય.

ફુરસદના સમયમાં કલા સાથે જોડાવાની તક

આ લોકડાઉનના સમયમાં ભલે તે કામથી દૂર હોય. પણ મને આ ફુરસદના સમયમાં કલા સાથે જોડાવાની તક મળી છે, એમ તેણે કહ્યું હતું. હવે આ ‘દંબગ’ સ્ટારે એક સારા હેતુ માટે તેનાં પેઇન્ટિંગની હરાજી કરવાનું નક્કી કર્યું છે.

‘પેઇન્ટિંગનું લિલામ કરીને ફંડ એકત્ર કરીશ’

તેણે જણાવ્યું છે કે આ લોકડાઉન દરમિયાન હું મારી આર્ટ સાથે જોડાઈ છું અને મુશ્કેલીમાં મુકાયા છે તેમને હું મોટા પાયે મદદ કરવા માગું છું, તેથી મેં મારાં પેઇન્ટિંગનું લિલામ કરીને ફંડ એકત્ર કરવાનો નિર્ણય કર્યો છે. તેણે કહ્યું હતું કે આ પેઇન્ટિંગ કરવા માટે મારી પર કોઈનો વિશેષ પ્રભાવ નથી. મને જે અંતઃસ્ફુરણા થઈ એનાથી મેં આ પેઇન્ટિંગ દોર્યા છે અને હું હંમેશાં નવી બાબતો અજમાવતી રહું છું.

 તે દૈનિક મજૂરોને રાશન કિટ આપશે

સોનાક્ષીએ પ્રવાસી (દાડિયા) મજૂરો માટે પોતાનાં આર્ટવર્કની હરાજી કરવાનું નક્કી કર્યું છે. જે ફંડ એકત્ર થશે એમાંથી તે દૈનિક મજૂરોને રાશન કિટ આપશે. આ આર્ટવર્કમાં અભિનેત્રી દ્વારા બનાવવામાં આવેલાં ડિજિટલ પ્રિન્ટ્સ, સ્કેચ અને વિશાળ કેનવાસ પેઇન્ટિંગ્સ સામેલ છે.

સોનાક્ષીએ અભિનેતા અર્જૂન કપૂરની બહેન અંશુલા કપૂરનાં ઓનલાઇન ફંડ ઊંભું કરવાના પ્લેટફોર્મ ફેનકાઈન્ડ સાથે સહયોગ પણ કર્યો છે. સોનાક્ષી આ વાઇરસની સામે લડી રહેલા ફ્રન્ટલાઇન વર્કર્સને મદદ કરવા માટે એકતા બતાવવાનું કહે છે. તે કહે છે આ સમયનો તકાદો છે.