‘અંગૂરીભાભી’ શુભાંગી અત્રેએ સુરતમાં શૂટિંગ ફરી શરૂ કર્યું

સુરતઃ લોકપ્રિય હિન્દી ટીવી સિરિયલ ‘ભાભીજી ઘર પર હૈં’ની અભિનેત્રી શુભાંગી અત્રે કોરોનાવાઈરસ બીમારીમાંથી સાજી થઈ ગઈ છે અને એણે સુરતમાં આ સિરિયલના નવા એપિસોડ માટેનું શૂટિંગ ફરી શરૂ કરી દીધું છે. આ કોમેડી સિરિયલમાં શુભાંગી ‘અંગૂરીભાભી’નું પાત્ર ભજવી રહી છે. મહારાષ્ટ્રમાં કોરોનાવાઈરસના કેસ ખૂબ વધી જતાં સરકારના આદેશને પગલે તમામ ટીવી સિરિયલોનું શૂટિંગ અટકાવી દેવું પડ્યું હતું. પરિણામે બીજા અનેક ટીવી શોની જેમ ‘ભાભીજી ઘર પર હૈ’ સિરિયલના નિર્માતાઓએ પણ અન્ય રાજ્યોમાં જઈને શૂટિંગ કરવાનું નક્કી કર્યું છે. ‘ભાભીજી ઘર પર હૈ’નું શૂટિંગ એક મહિના બાદ ફરી શરૂ કરાયું છે, પણ મુંબઈને બદલે સુરતમાં.

શોમાં ફરી હાજર થયાની જાણકારી ખુદ શુભાંગીએ આપી છે. તેણે કહ્યું, ‘હું સુરતમાં મારાં કામ પર પાછી ફરી છું. નસીબદાર છું કે મારું શૂટિંગ ફરી શરૂ કરી શકી છું. અમે સૌ અહીંયા દરેક કોવિડ-19 માર્ગદર્શિકાઓનું બરાબર પાલન કરીએ છીએ. હું પોતાને એકદમ સુરક્ષિત સમજું છું, કારણ કે અમારી ટીમ મારે મન પરિવાર જેવી છે. અમે ઘણા વર્ષોથી દરરોજ કલાકો સુધી સાથે મળીને કામ કરતા આવ્યાં છીએ.’ શુભાંગીને  જોકે એની દીકરી અશી અને પતિ પીયૂષ પૂરેની યાદ ખૂબ આવે છે એવું તેણે કહ્યું. ‘હું અહીંયા મારાં પરિવારની કમી ખૂબ જ મહેસુસ કરું છું. પરંતુ અમે વર્ચ્યુઅલી કનેક્ટેડ રહીએ છીએ.’