મેચ બે કલાકમાં પૂરી થઈ જતાં સિરાજથી ‘નારાજ’ થઈ શ્રદ્ધા

મુંબઈઃ ગઈ કાલે કોલંબોમાં ફૂંકાયેલા મોહમ્મદ સિરાજ નામના વાવાઝોડામાં શ્રીલંકાની ક્રિકેટ ટીમ બરબાદ થઈ ગઈ. એશિયા કપ-2023માં ગઈ કાલે કોલંબોના પ્રેમદાસ સ્ટેડિયમમાં ભારત અને શ્રીલંકા વચ્ચે ફાઈનલ મેચ રમાઈ હતી. શ્રીલંકાના કેપ્ટન દસૂન શાનકાએ ટોસ જીતીને પહેલા બેટિંગ લીધી હતી, પણ એની ટીમ માત્ર 15.2 ઓવરમાં માત્ર 50 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ટીમના દાવનો આ ખાત્મો થયો ભારતના ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજની ઝંઝાવાતી બોલિંગને કારણે, જેણે 7 ઓવરમાં 21 રન આપીને 6 વિકેટ લીધી હતી. તેણે એક જ ઓવરમાં ચાર વિકેટ લીધી હતી.

તે પછી ભારતના ઓપનરો – ઈશાન કિશન અને શુભમન ગિલે માત્ર 6.1 ઓવરમાં જ 51 રન કરીને મેચ અને સ્પર્ધા જીતી લીધી હતી. આમ, મેચ માત્ર બે કલાકમાં જ પૂરી થઈ ગઈ હતી. રવિવારની રજા હોઈ પ્રેમદાસ સ્ટેડિયમમાં મેચ જોવા આવેલા હજારો દર્શકોને તથા ટીવી પર મેચ નિહાળી રહેલા કરોડો ક્રિકેટપ્રેમીઓને આશા હતી કે ફાઈનલમાં બંને ટીમ વચ્ચે જોરદાર ટક્કર જોવા મળશે. ઘણા લોકોએ આ મેચ જોવા માટે બીજા પ્લાન પણ પડતા મૂક્યા હશે. પરંતુ મેચ સાવ વહેલી પૂરી થઈ જતાં સૌને વિચાર આવ્યો હશે કે હવે બાકીના સમયમાં મનોરંજન કેવી રીતે કરવું? આવી જ હાલત બોલીવુડ અભિનેત્રી શ્રદ્ધા કપૂરની પણ થઈ હતી. એણે ઈન્સ્ટાગ્રામ પર સિરાજને સવાલ પૂછ્યો હતો: ‘હવે સિરાજને જ પૂછો કે આ ખાલી સમયમાં શું કરીએ?’

મેચ પૂરી થયા બાદ સિરાજને ‘પ્લેયર ઓફ ધ મેચ’નો એવોર્ડ આપવામાં આવ્યો હતો. એણે કહ્યું, એણે આઉટસ્વિંગ બોલ ફેંકીને શ્રીલંકાના બેટર્સને બોલ રમવા માટે મજબૂત કર્યા હતા અને એમની વિકેટ પાડવામાં પોતે સફળ થયો હતો.