‘જવાન’ના ગીત ‘ઝિંદા બંદા’માં શાહરૂખનો 1000 ફીમેલ ડાન્સર્સ સાથે ડાન્સ

મુંબઈઃ બહુપ્રતિક્ષિત હિન્દી ફિલ્મ ‘જવાન’ના પહેલા ગીત ‘ઝિંદા બંદા’ લોન્ચિંગ પૂર્વે નિર્માતાઓએ જાહેર કર્યું હતું કે આ ગીત રોમહર્ષક હશે, કારણ કે એમાં શાહરૂખ ખાન 1000થી પણ વધારે મહિલા ડાન્સર્સ સાથે ડાન્સ કરશે. આ ગીત માટે અનિરુદ્ધે સંગીત આપ્યું છે. જવાનના ટ્રેલરમાં આ ગીતની એક ઝલક જોવા મળે છે. આ ગીત ઈન્ટરનેટ પર ઓગસ્ટના પહેલા અઠવાડિયામાં રિલીઝ કરાય એવી ધારણા છે.

આ ગીતનું શૂટિંગ ચેન્નાઈમાં કરવામાં આવ્યું હતું અને તે પાંચ દિવસ સુધી ચાલ્યું હતું. 1000થી વધારે મહિલા ડાન્સરોને ચેન્નાઈ, હૈદરાબાદ, બેંગલુરુ, મદુરાઈ, મુંબઈ અન્યત્રથી બોલાવવામાં આવી હતી. આ ગીતના ફિલ્માંકન પાછળ 15 કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો.

‘જવાન’ ફિલ્મ આ વર્ષની 7 સપ્ટેમ્બરે હિન્દી, તામિલ અને તેલુગુ ભાષાઓમાં થિયેટરોમાં રજૂ થવાની છે. ફિલ્મમાં શાહરૂખ ખાન ઉપરાંત નયનતારા અને વિજય સેતુપતિ મુખ્ય ભૂમિકાઓમાં છે જ્યારે દીપિકા પદુકોણ એક ખાસ ભૂમિકામાં છે. અન્ય કલાકારો છેઃ સાન્યા મલ્હોત્રા, પ્રિયામણી, ગિરીજા ઓક, સંગીતા ભટ્ટાચાર્ય, લેહર ખાન, રિદ્ધિ ડોગરા, સુનિલ ગ્રોવર, મુકેશ છાબરા.