આધ્યાત્મિક સફરે નીકળી છે દક્ષિણી અભિનેત્રી સામંથા રુથ પ્રભુ

કોઈમ્બતુરઃ દક્ષિણી ફિલ્મોની અભિનેત્રી સામંથા રુથ પ્રભુએ તેની નવી ફિલ્મ સિટાડેલને ગુડબાય કરી દીધું છે. એણે ફિલ્મોમાંથી બ્રેક લીધો છે અને પોતાનાં આરોગ્યને સુધારવા પર ધ્યાન કેન્દ્રિત કરવાનું નક્કી કર્યું છે. આ માટે તે આત્મશુદ્ધિકરણ માટે કોઈમ્બતુર શહેરમાં સદ્દગુરુના ઈશા યોગ કેન્દ્રમાં પહોંચી છે. માનસિક, શારીરિક અને આધ્યાત્મિક રીતે નિરોગી રહેવા માટેની કળા શીખશે. સફેદ વસ્ત્રોમાં સજ્જ થયેલી સામંથાએ પોતાની તસવીર અને વીડિયો સોશિયલ મિડિયા પર શેર કર્યાં છે. એણે કહ્યું છે, ધ્યાન અવસ્થા જ મારી શક્તિનો મજબૂત સ્રોત છે.

સામંથા ઓટો ઈમ્યૂન ડિસઓર્ડર વ્યાધિથી પીડાય છે. પોતે માયોસિટિસ બીમારી સામે ઝઝૂમી રહી છે એવું તેણે સોશિયલ મિડિયા મારફત પોતાનાં પ્રશંસકોને જણાવ્યું છે. ગયા વર્ષે તે આ બીમારીની સારવાર કરાવવા માટે અમેરિકા ગઈ હતી. ત્યારબાદ ભારત પાછી ફરી હતી અને પોતે હાથમાં લીધેલી ફિલ્મો પૂરી કરી હતી. તે ઉપરાંત એણે સિટાડેલ હિન્દી વેબસીરિઝનું શૂટિંગ પણ પૂરું કરી લીધું છે અને હવે તેણે અભિનયમાંથી બ્રેક લીધો છે.