જોધપુર: બોલીવુડના સુપરસ્ટાર સલમાન ખાનને ફરી એક વખત જાનથી મારી નાખવાની ધમકી મળી છે. આ ધમકી એક સ્ટુડન્ટ યુનિયનના સોશિયલ મીડિયા ગ્રુપ દ્વારા અપાઈ છે. બે દિવસ બાદ સલમાન ખાન જોધપુર કોર્ટમાં સુનાવણીમાં હાજર રહેવાના છે. ત્યારે આ ધમકીને કારણે પોલીસ અને જોધપુરનું તંત્ર એલર્ટ થઈ ચૂક્યુ છે.
સલમાન ખાનને ફેસબુક પર સોપુ એટલે કે સ્ટુડન્ટ ઓર્ગેનાઈઝેશન ઓફ પંજાબ યુનિવર્સિટી નામના ગ્રુપ દ્વારા ગૅરી શૂટરના અકાઉન્ટથી ધમકીભર્યો મેસેજ લખવામાં આવ્યો છે. આ સોશિયલ મીડિયા પોસ્ટનો સ્ક્રીનશોટ વાઈરલ થઈ રહ્યો છે. બીજી તરફ આ પ્રકારની પોસ્ટને કારણે સલમાન ખાનના ફેન્સ રોષે ભરાઈ રહ્યા છે.
સોપુની અદાલતમાં તુ દોષી છે સલમાન
સોપૂના ફેસબુક પેજ પર ગેરી શૂટર નામાના યુવકે સલમાન ખાનના ફોટા પર લાલ ચોકડી લગાવાની લખ્યું છે કે, ‘વિચારી લે સલમાન તુ ભારતના કાયદાથી બચી શકે છે, પરંતુ બિશ્નોઈ સમાજ અને સોપૂ પાર્ટીના કાયદાએ તને મોતની સજા આપી છે. સોપૂની અદાલતમાં તુ દોષી છે સલમાન.’ આ ધમકી સોશિયલ મીડિયા પર વાઈરલ થયા બાદ જોધપુરના ડીસીપી ધર્મેન્દ્ર યાદવે કહ્યું કે, અમે તપાસ કરી રહ્યા છીએ. પોલીસ અને તંત્ર એલર્ટ છે. આરોપીની શોધખોળ ચાલુ છે. ટૂંક સમયમાં જ આ પોસ્ટ કરનાર વ્યક્તિને પકડી લેવાશે.
ઉલ્લેખનીય છે કે કાળિયાર હરણનો શિકાર કરવાના કેસમાં 27 સપ્ટેમ્બરે સલમાન ખાન જોધપુરની કોર્ટમાં હાજર રહેશે. ત્યારે આ પ્રકારની ધમકીથી સ્થાનિક તંત્ર હરકતમાં આવ્યું છે. આ પહેલા 2018માં પણ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈએ સલમાન ખાનને હત્યાની ધમકી આપી હતી. આ ઘટના બાદ સ્થાનિક તંત્રએ સલમાન ખાન અને કોર્ટની સુરક્ષા વધારી દીધી હતી.