અમિતાભ બચ્ચનને અપાશે ‘દાદાસાહેબ ફાળકે એવોર્ડ’

મુંબઈ – હિન્દી ફિલ્મોના મહાનાયક અમિતાભ બચ્ચનને પ્રતિષ્ઠિત દાદાસાહેબ ફાળકે એવોર્ડ દ્વારા સમ્માનિત કરવામાં આવશે.

આ જાહેરાત કેન્દ્રના માહિતી અને પ્રસારણ પ્રધાન પ્રકાશ જાવડેકરે આજે ટ્વીટ દ્વારા કરી છે.

જાવડેકરે કહ્યું છે કે ફાળકે એવોર્ડ માટે અમિતાભની પસંદગી સર્વાનુમતે કરવામાં આવી છે.

આ એવોર્ડની સ્થાપના દંતકથા સમાન ફિલ્મ નિર્માતા-દિગ્દર્શક દાદાસાહેબ ફાળકેના માનમાં 1969માં કરવામાં આવી હતી. ફાળકેને ભારતીય સિનેમાના પિતામહ તરીકે ગણવામાં આવે છે.

દાદાસાહેબ ફાળકે (1870-1944)

અત્યાર સુધીમાં દેશની વિવિધ ભાષાઓની 49 ફિલ્મી હસ્તીઓને દાદાસાહેબ ફાળકે એવોર્ડથી સમ્માનિત કરવામાં આવી છે. પહેલો એવોર્ડ અભિનેત્રી દેવિકારાણીને (1969) અને છેલ્લે 2017માં સ્વ. વિનોદ ખન્નાને (મરણોત્તર) આ એવોર્ડ આપવામાં આવ્યો હતો.

બોલીવૂડની અન્ય જે હસ્તીઓને આ એવોર્ડથી સમ્માનિત કરવામાં આવી છે એમના નામ આ મુજબ છેઃ
અભિનેતા પૃથ્વીરાજ કપૂર, ગાયક-સંગીતકાર પંકજ મલિક, અભિનેત્રી રૂબી માયર્સ (સુલોચના), અભિનેતા સોહરાબ મોદી, અભિનેતા પી. જયરાજ, સંગીતકાર નૌશાદ, નિર્માતા-દિગ્દર્શક એલ.વી. પ્રસાદ, અભિનેત્રી દુર્ગા ખોટે, નિર્માતા-દિગ્દર્શક સત્યજીત રે, અભિનેતા-દિગ્દર્શક વી. શાંતારામ, અભિનેતા રાજકપૂર, અભિનેતા અશોકકુમાર, પાર્શ્વગાયિકા લતા મંગેશકર, ગીતકાર મજરૂહ સુલતાનપુરી, અભિનેતા દિલીપકુમાર, ગીતકાર કવિ પ્રદીપ, નિર્માતા-દિગ્દર્શક બી.આર. ચોપરા, દિગ્દર્શક ઋષિકેશ મુખરજી, પાર્શ્વગાયિકા આશા ભોસલે, નિર્માતા-દિગ્દર્શક યશ ચોપરા, અભિનેતા દેવ આનંદ, દિગ્દર્શક શ્યામ બેનેગલ, ગાયક મન્ના ડે, સિનેમેટોગ્રાફર વી.કે. મૂર્તિ, અભિનેતા પ્રાણ, ગીતકાર-દિગ્દર્શક ગુલઝાર, અભિનેતા શશી કપૂર, અભિનેતા મનોજકુમાર.

આ એવોર્ડ ભારત સરકારની ડાયરેક્ટોરેટ ઓફ ફિલ્મ ફેસ્ટિવલ્સ સંસ્થા દ્વારા એનાયત કરવામાં આવે છે. આ એવોર્ડના રૂપમાં સ્વર્ણ કમલ અને રૂ. 10 લાખનું રોકડ ઈનામ આપવામાં આવે છે.

અમિતાભ બચ્ચનની નવી ફિલ્મ આવી રહી છે ‘બ્રહ્માસ્ત્ર’. એમાં તે આલિયા ભટ્ટ અને રણબીર કપૂર જેવા યુવા કલાકારો સાથે જોવા મળશે. આ ફિલ્મ 2020માં રિલીઝ થવાની છે. ત્યારબાદ અમિતાભની આ ફિલ્મો આવવાની છેઃ ‘ઝૂંડ’, ‘ચેહરે’ અને ‘ગુલાબો સિતાબો’.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]