-એટલે મેં હોલીવુડ-ફિલ્મ સ્વીકારી નહોતી: શિલ્પા શેટ્ટી

મુંબઈઃ અભિનેત્રી શિલ્પા શેટ્ટી-કુન્દ્રાએ કહ્યું છે કે, ‘હિન્દી ફિલ્મોમાં મારી 14-વર્ષની લાંબી કારકિર્દી દરમિયાન મોટી હોલીવુડ ફિલ્મમાં કામ કરવાની મને ઓફર કરવામાં આવી હતી, પણ મેં એને નકારી કાઢી હતી, કારણ કે હું લોસ એન્જેલીસ શહેરમાં શિફ્ટ થવા માગતી નહોતી.’ 46-વર્ષની શિલ્પાએ એક મુલાકાતમાં કહ્યું છે કે, ‘મને હોલીવુડની એક મોટી ફિલ્મમાં કામ કરવાની ઓફર કરાઈ હતી ત્યારે મારો દીકરો મારાથી ખૂબ જ નારાજ થઈ ગયો હતો, પરંતુ મેં એ ઓફરને નકારી કાઢી હતી. મુંબઈથી લોસ એન્જેલીસમાં શિફ્ટ થવું એ મારી પહોંચ બહારની વાત હતી. અહીંયા રહીને જ કામ કરતાં રહેવાનું મને ગમે છે. ભલે મેં એક મોટી તક ગુમાવી દીધી છે, પરંતુ મેં જે નિર્ણય લીધો એ બદલ હું બહુ ખુશ છું. મારાં પરિવારને છોડીને જવાનું મને જરાય ગમ્યું ન હોત. મારાં સંતાનો 15 વર્ષનાં થઈ જાય એ પછી કદાચ હું એ બાબતમાં વિચારીશ.’

શિલ્પાએ એની ફિલ્મી કારકિર્દી 17 વર્ષની વયે કરી હતી. 1993માં એ ‘બાઝીગર’ ફિલ્મમાં ચમકી હતી.