પોતાનાં ‘ડીપફેક’ વીડિયોથી રશ્મિકાને આઘાત; અમિતાભે કરી કાનૂની પગલું ભરવાની માગણી

મુંબઈઃ ઈન્ટરનેટ પર ફરી રહેલો પોતાનો ડીપફેક (બનાવટી) વીડિયો જોઈને દક્ષિણ ભારતીય ફિલ્મોની અભિનેત્રી રશ્મિકા મંદાનાએ નારાજગી વ્યક્ત કરી છે અને કહ્યું છે કે ટેક્નોલોજીનો કેવો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે તે અત્યંત ડરામણું છે. બે દિવસથી ઈન્ટરનેટ પર એક વીડિયો વાઈરલ થયો છે. એક ફેક્ટ ચેકરે ડીપફેક ક્લિપ પોસ્ટ કરી હતી. તેમાં ડાબી બાજુ ઓરિજિનલ વીડિયો છે અને જમણી બાજુ બનાવટી વીડિયો છે. ઓરિજિનલ વીડિયોમાં જાણીતી બ્રિટિશ-ભારતીય સોશિયલ મીડિયા સ્ટાર ઝારા પટેલ છે તો ડાબી બાજુના બનાવટી વીડિયોમાં AI (આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સ)  ટેક્નોલોજી વડે રશ્મિકાનો ચહેરો મૂકી દેવામાં આવ્યો છે. ‘ગુડબાય’ હિન્દી ફિલ્મમાં રશ્મિકા સાથે અભિનય કરનાર અમિતાભ બચ્ચને આ વીડિયો જોઈને આકરાં પ્રત્યાઘાત આપ્યા છે. એમણે કહ્યું છે કે, ‘આ તો સ્પષ્ટપણે કાનૂની પગલું ભરવાનો કેસ બને છે.’

ઉલ્લેખનીય છે કે, ડીપફેક એક ડિજિટલ મેથડ છે જેના દ્વારા યૂઝર્સ AI ટેક્નોલોજીનો ઉપયોગ કરીને કોઈ પણ વ્યક્તિનો ચહેરો બીજી વ્યક્તિના ચહેરા વડે બદલી શકે છે.

‘પુષ્પા’, ‘મિશન મજનૂ’ જેવી દક્ષિણભાષી ફિલ્મો અને આગામી હિન્દી ફિલ્મ ‘એનિમલ’ની અભિનેત્રી રશ્મિકા મંદાનાએ ઈન્સ્ટાગ્રામ મારફત પોતાની નારાજગી અને ચિંતા વ્યક્ત કરી છે. એણે લખ્યું છે, ‘મારે દુઃખ સાથે કહેવું પડે છે કે ઓનલાઈન ફેલાવવામાં આવી રહેલા મારા ડીપફેક વીડિયો વિશે મારે વાત કરવી પડી રહી છે. પ્રામાણિકપણે કહું તો આ બધું માત્ર મારાં માટે જ નહીં, પણ આપણામાંના એ દરેક જણ માટે ખૂબ જ ડરામણું છે જેમને આજે ટેક્નોલોજીના આવા દુરુપયોગને કારણે નુકસાન ભોગવવું પડી રહ્યું છે. આજે એક મહિલા અને એક અભિનેત્રીના રૂપમાં હું મારાં પરિવારજનો, મારાં મિત્રો અને શુભચિંતકોની આભારી છું જેઓ મારાં રક્ષક છે અને સમર્થક છે. પરંતુ જો આવું હું જ્યારે સ્કૂલ કે કોલેજોમાં ભણતી હતી ત્યારે બન્યું હોત તો હું એ પરિસ્થિતિનો કેવી રીતે સામનો કરત તેની હું કલ્પના પણ કરી શકતી નથી. આવી પ્રવૃત્તિ વધુ લોકોને હાનિ પહોંચાડે એ પહેલાં આપણે એક સમાજ તરીકે આનો રસ્તો કાઢવાની જરૂર છે.’