રણબીરની ‘એનિમલ’ની આવશે સીક્વલ; ફિલ્મના ક્લાઈમેક્સમાં કરાયું એલાન

મુંબઈઃ આજથી થિયેટરોમાં રિલીઝ થયેલી રણબીર કપૂર, રશ્મિકા મંદાના અને બોબી દેઓલ અભિનીત એક્શન થ્રિલર હિન્દી ફિલ્મ ‘એનિમલ’ને દર્શકો અને સમીક્ષકોએ વખાણી છે. સંદીપ રેડ્ડી વાંગા દિગ્દર્શિત આ ફિલ્મમાં ખૂબ હિંસા બતાડવામાં આવી હોવાથી સેન્સર બોર્ડે એને ‘A’ સર્ટિફિકેટ આપ્યું છે.

આ ફિલ્મના અંતે નિર્માતાઓ તરફથી એલાન કરવામાં આવે છે કે આ ફિલ્મની સીક્વલ આવશે જેનું શિર્ષક હશે ‘એનિમલ પાર્ક’. તાજેતરમાં મુંબઈમાં મીડિયાકર્મીઓ સાથે એક પ્રમોશનલ કાર્યક્રમ વખતે જ્યારે નિર્માતા ભૂષણકુમારને પૂછવામાં આવ્યું કે, ‘શું તમે ‘એનિમલ 2′ પણ બનાવશો?’ ત્યારે ભૂષણકુમારે કહ્યું હતું, ‘તે એક સરપ્રાઈઝ છે. તમને પહેલી ડિસેમ્બરે એની જાણ થશે.’

‘એનિમલ’માં રણબીર, રશ્મિકા અને બોબી ઉપરાંત અનિલ કપૂર, ચારુ શંકર, સલોની બત્રા, શક્તિ કપૂર, સુરેશ ઓબેરોય, પ્રેમ ચોપરા જેવા કલાકારો પણ છે. ફિલ્મમાં ધંધામાં વ્યસ્ત પિતા (અનિલ કપૂર)ના પ્રેમથી વંચિત રહેલા અને ઝનૂની બનીને હિંસાના માર્ગે વળેલા પુત્ર (રણબીર કપૂર)ની વાર્તા છે. આ ફિલ્મ આજથી હિન્દી ઉપરાંત તેલુગુ, તામિલ, કન્નડ અને મલયાલમ ભાષાઓમાં પણ રિલીઝ કરવામાં આવી છે.