રાહુલ-અથિયાનાં લગ્નપ્રસંગની ઉજવણી 3 દિવસ ચાલશે

મુંબઈઃ ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ખેલાડી લોકેશ રાહુલ (કે.એલ. રાહુલ) બોલીવુડ અભિનેત્રી અથિયા શેટ્ટી સાથે લગ્નના બંધનમાં બંધાવાનો છે. આ લગ્ન 23 જાન્યુઆરીએ અથિયાનાં પિતા અને બોલીવુડ અભિનેતા સુનીલ શેટ્ટીના ખંડાલા ખાતેના બંગલામાં યોજાશે. એના ઉજવણી કાર્યક્રમો 21 જાન્યુઆરીથી શરૂ થઈ જશે. રાહુલ હાલ એની કારકિર્દીના ખરાબ કાળમાંથી પસાર થઈ રહ્યો છે. ટીમમાં એના સ્થાન પર પ્રશ્નાર્થ ચિન્હ મૂકાયું છે. બેટમાંથી રન નીકળતા નથી, પણ અંગત જીવનમાં એ બીજી ઈનિંગ્ઝ શરૂ કરવા જઈ રહ્યો છે.

21 અને 22 જાન્યુઆરીએ હલદી-મેહંદી અને સંગીત સમારોહ યોજાશે. 23મીએ રાહુલ અને અથિયા લગ્નના સાત ફેરા ફરશે. આ લગ્ન સમારંભમાંથી મીડિયાકર્મીઓને દૂર રાખવાનો બંનેનાં પરિવારોએ નિર્ણય લીધો છે. આ લગ્નમાં ભૂતપૂર્વ ક્રિકેટ કેપ્ટનો મહેન્દ્રસિંહ ધોની, વિરાટ કોહલી, વર્તમાન કેપ્ટન હાર્દિક પંડ્યા, અમિતાભ બચ્ચન, સલમાન ખાન, જેકી શ્રોફ, અક્ષય કુમાર જેવા દિગ્ગજ કલાકારો હાજરી આપશે. લગ્ન બાદ રાહુલ અને અથિયા મુંબઈના બાન્દ્રા સ્થિત ઘરમાં રહેશે. તેઓ બોલીવુડ કલાકાર દંપતી રણબીર કપૂર અને આલિયા ભટ્ટનાં પડોશી બનશે.