ન્યૂયોર્કઃ અભિનેત્રી અને નિર્માત્રી પ્રિયંકા ચોપરાએ 2021માં ન્યૂયોર્ક સિટીમાં ભારતીય વાનગીઓ પીરસતી ‘સોના’ નામની જે રેસ્ટોરન્ટ શરૂ કરી હતી, તેની સાથે હવે સંકળાયેલી રહી નથી. આ સમાચારને અમેરિકન ટીવી સીરિઝ ‘સિટાડેલ’ની અભિનેત્રી પ્રિયંકાનાં એક પ્રવક્તાએ ‘પીપલ’ મેગેઝિનને સમર્થન આપ્યું છે. એમણે કહ્યું છે કે, ‘સોના’ રેસ્ટોરન્ટમાં કરેલી ભાગીદારીથી 41 વર્ષીય પ્રિયંકાએ હવે અંતર કરી લીધું છે. જોકે રેસ્ટોરન્ટમાં આતિથ્ય અને ભોજનના ક્ષેત્રોમાં રસ લેવાનું તે ચાલુ રાખશે. ‘સોના’ રેસ્ટોરન્ટમાંથી હટી જવાથી પ્રિયંકા વૈશ્વિક સ્તરે એમની મહેચ્છાઓ પર વિશેષ રીતે ધ્યાન આપી શકશે.’
સોનાનાં સહ-સ્થાપક અને પ્રિયંકાનાં મિત્ર તથા ભૂતપૂર્વ બિઝનેસ ભાગીદાર મનીષ કે. ગોયલે કહ્યું કે, ‘પ્રિયંકા સાથે કામ કરવાનું મારું એક સપનું હતું જે સાકાર થયું છે. એણે કરેલી ભાગીદારી અને આપેલા સપોર્ટ બદલ અમે એનાં આભારી છીએ. હવે તે ક્રીએટિવ પાર્ટનર તરીકે અમારી સાથે નહીં રહે, પરંતુ ‘સોના’ પરિવારમાં તો યથાવત્ જ રહેશે.’
અમેરિકામાં કોરોનાવાઈરસ મહામારીના નિયંત્રણો ચાલુ હતા એ જ અરસામાં ‘સોના’ રેસ્ટોરન્ટ શરૂ કરવામાં આવી હતી. તે નામ પ્રિયંકાનાં ગાયક પતિ નિક જોનસે સૂચવ્યું હતું.