અમદાવાદ – સુશાંત સિંહ રાજપૂત તેમજ સારા અલી ખાન અભિનિત આગામી હિંદી ફિલ્મ ‘કેદારનાથ’ ઉપર પ્રતિબંધ મૂકવા માટે ગુજરાત હાઈકોર્ટમાં એક પીટિશન કરવામાં આવી છે.
દિગ્દર્શક અભિષેક કપૂર તેમજ નિર્માતા રોની સ્ક્રૂવાલા લાવી રહ્યા છે ઉત્તરાખંડના યાત્રાધામને સાંકળતી ફિલ્મ ‘કેદારનાથ’. સફળ ફિલ્મ ‘કાઈ પો છે’ની આ ત્રિપુટી (સુશાંત સિંહ, અભિષેક કપૂર અને સ્ક્રૂવાલા) ફરી એકવાર સાથે આવી રહી છે. આ જ ફિલ્મથી સૈફ અલી ખાન અને અમ્રિતા સિંઘની પુત્રી સારા અલી ખાન બોલિવૂડમાં પદાર્પણ કરી રહી છે.
ફિલ્મ ‘કેદારનાથ’ રિલીઝને આરે છે અને તેનું ટ્રેલર હાલમાં જ બહાર પડ્યું છે. પણ જમણેરી વિચારસરણી ધરાવનાર સંગઠન ‘ઈન્ટરનેશનલ હિન્દુ સેના’ની દલીલ છે કે આ ફિલ્મ લવ જિહાદના દૂષણને ઉત્તેજન આપે છે. તેમજ સુશાંત અને સારાનાં બતાવવામાં આવેલા ચુંબનનાં દ્રશ્ય સામે પણ આ સંગઠને વાંધો દર્શાવ્યો છે. આ ફિલ્મની રિલીઝને રોકવા માટે આ સંગઠને 28 નવેમ્બરે ગુજરાત હાઈકોર્ટમાં પીટિશન નોંધાવી છે. જેની સુનાવણી આવતા અઠવાડિયે કરવામાં આવે એવી ધારણા છે. અરજદાર સંગઠનનું કહેવું છે કે, કેદારનાથ ધામ એક પવિત્ર યાત્રાધામ છે, હિંદુઓ માટે આ પવિત્ર જગ્યાનું બહુ મહાત્મ્ય છે તેથી કિસિંગનો સીન હિન્દુઓની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડનારો છે.
‘કેદારનાથ’ આવતી 7મી ડિસેમ્બરે રિલીઝ થવાની છે.