મુંબઈ – વાયકોમ18 મોશન પિક્ચર્સ કંપનીએ આવતી 25 જાન્યુઆરીએ એની ‘પદ્માવત’ ફિલ્મને વિશ્વસ્તરે રિલીઝ કરવાની જાહેરાત કરી છે.
સંજય લીલા ભણસાલી દિગ્દર્શિત આ ફિલ્મ વિશ્વસ્તરે IMAX 3D ટેક્નોલોજીમાં રિલીઝ થનારી પહેલી જ ભારતીય ફિલ્મ છે.
ઉલ્લેખનીય છે કે લાંબો સમય સુધી ચાલેલા વિવાદ બાદ સેન્સર બોર્ડે આ ફિલ્મને U/A સર્ટિફિકેટ સાથે રિલીઝ કરવાની મંજૂરી આપી છે.
સંજય લીલા ભણસાલીએ કહ્યું છે કે, ‘પદ્માવત’ ફિલ્મ એ મારા માટે એક સપનું સાકાર થયા જેવી છે. આપણા મહાન રાજપૂત યોદ્ધાઓના સમ્માન અને બહાદુરી વિશેની વાર્તાઓ મને કાયમ આકર્ષિત કરતી રહી છે. આપણા સાહિત્યમાં પણ એનું સરસ રીતે આલેખન કરવામાં આવ્યું છે. મારી આ ફિલ્મ પણ એ ગૌરવશાળી વાર્તાઓને સમર્પિત છે. વાયકોમ18 અને ભણસાલી પ્રોડક્શન્સને મદદરૂપ થવા બદલ હું સમગ્ર ફિલ્મજગતનો આભારી છું અને મને આશા છે કે એમને ફિલ્મ જરૂર ગમશે.
આ ફિલ્મ અનેક વિવાદો વચ્ચે અને અવરોધો બાદ સેન્સર બોર્ડની મંજૂરી પ્રાપ્ત કરી શકી છે. આ ફિલ્મનું શિર્ષક પહેલાં Padmavati હતું, પણ બાદમાં સેન્સર બોર્ડની શરતને પગલે Padmavat રાખવામાં આવ્યું અને હવે એના સ્પેલિંગમાં સહેજ ફેરફાર કરીને Padmaavat રાખવામાં આવ્યું છે.
‘પદ્માવત’ને હિન્દી ઉપરાંત તામિલ, તેલુગુ ભાષામાં પણ રિલીઝ કરાશે.
ગુજરાત તથા રાજસ્થાન સરકારે આ ફિલ્મને રિલીઝ ન કરવાનો નિર્ણય જાહેર કર્યો છે. ગુજરાત સરકારે આ વિશેનું નોટિફિકેશન આજે બહાર પાડ્યું છે. રાજપૂત કરણી સેનાએ આ ફિલ્મ રિલીઝ કરાશે તો હિંસક વિરોધ-દેખાવો કરવાની ધમકી આપતાં ગુજરાત અને રાજસ્થાન સરકારે ફિલ્મને રિલીઝ ન કરવાનું નક્કી કર્યું છે.