અમારો પુત્ર ધર્મનિરપેક્ષ ભારતનું પ્રતીકઃ નુસરત જહાં

મુંબઈઃ તૃણમૂલ કોંગ્રેસનાં સંસદસભ્ય અને બંગાળી ફિલ્મ અભિનેત્રી નુસરત જહાં અને તેનાં બાળકોને લઈને હંમેશાં ચર્ચામાં રહે છે. તેણે હાલમાં એક ટીવી ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં તેના વ્યક્તિગત અને વ્યાવસાયિક જીવન વિશે ખૂલીને વાત કરી હતી. તેણે એક્ટર યશ દાસગુપ્તા સાથેના સંબંધો અને તેમના પુત્ર યિશાન વિશે વાત કરી હતી. તેણે પુત્ર યિશાનને એક સેક્યુલર (ધર્મનિરપેક્ષ) ભારતનો આદર્શ નાગરિક બનાવવાની વાત કરી હતી.

સોશિયલ મિડિયા પર તેને ટ્રોલ કરવામાં આવે છે, એ સંદર્ભે નુસરતે કહ્યું હતું કે હું પીડિતા નથી, કેમ કે હું જો પીડિત હોવાનું અનુભવ કરીશ તો હું ડિપ્રેશનમાં ચાલી જઈશ. જ્યારે તેને સ્ટાઇલિશ ફેશન વિશે પૂછવામાં આવ્યું, ત્યારે તેણે કહ્યું હતું કે હું એવી કોઈ ખાસ સ્ટાઇલ નથી અપનાવતી, જે ટ્રેન્ડની પાછળ ભાગે છે. મને રંગબિરંગી કપડાં સારાં લાગે છે. મારી પાસે સવ્યસાચીનાં ઘણાં કપડાં છે, જેને હું દુર્ગા પૂજા વખતે પહેરું છું. હું મારા માટે કપડાં ખરીદું છે, નહીં કે લોકોને બતાવવા માટે.

તેણે કહ્યું હતું કે કે હું મુસ્લિમ છું, યશ હિન્દુ છે, પણ મારો પુત્ર બંને ધર્મને જાણશે અને માનવતાની સેવા કરશે. અમારા ઘરમાં દરેક તહેવાર ઊજવાય છે. અમે સેક્યુલર ભારત માટે યિશાનને એક સારા ઉદાહરણ તરીકે રજૂ કરી શકીએ છીએ. મારો વિશ્વાસ છે કે યિશાન સેક્યુલર ઇન્ડિયા માટે આદર્શ નાગરિક બનશે. યુશાનનો જન્મ ઓગસ્ટ, 2021માં થયો હતો.