નવી દિલ્હીઃ હોલીવૂડનો મશહૂર એક્ટર વિલ સ્મિથ આજકાલ ચર્ચામાં છે. તેણે ઓસ્કાર એવોર્ડ શોમાં અમેરિકાના મશહૂર કોમેડિયન અને શોના હોસ્ટ ક્રિસ રોકને જોરદાર થપ્પડ મારી દીધી હતી. હવે એકેડેમી ઓફ મોશન પિક્ચર આર્ટસ એન્ડ સાયન્સે આ થપ્પડ કાંડ પર આકરાં પગલાં લીધાં છે. હવે વિલ સ્મિથ પર 10 વર્ષ સુધી ઓસ્કારમાં સામેલ થવા પર પ્રતિબંધ મૂકી દીધો છે.
એકેડેમી ઓફ મોશન પિક્ટર આર્ટસ એન્ડ સાયન્સના પ્રમુખ ડેવિડ રુબિન અને વડા એક્ઝિક્યુટિવ ડોન હડસનના નિવેદન મુજબ 94મા ઓસ્કાર એવોર્ડમાં કેટલાય લોકો સામેલ હતા. ગયા વર્ષે એવોર્ડ શો ઘણો શાનદાર ગયો હતો, જ્યારે આ વખતે વિલ સ્મિથના વ્યવહારને કારણે બધી ગરબડ થઈ ગઈ હતી.
વાસ્તવમાં 94મા એકેડેમી એવોર્ડ સેરેમની શોના હોસ્ટે વિલ સ્મિથની પત્ની જૈડા પિંકેટ સ્મિથની મજાક ઉડાડી હતી. તેમણે તેના મુંડનની તુલના GI જેન સાથે કરી હતી. પત્ની પર કરવામાં આવેલી મજાકથી વિલ સ્મિથ તમતમી ગયો હતો. જે પછી વિલ સ્મિથે એકેડેમી ઓફ મોશન પિક્ચર આર્ટ્સ એન્ડ સાયન્સના સભ્યપદેથી રાજીનામું આપી દીધું હતું. ત્યાં તેણે ક્રિસ રોકથી આ ઘટનાની માફી માગી હતી.
બીજી બાજુ, વિલ સ્મિથે એકેડેમીની સજાનો સ્વીકાર કરી લીધો છે. તેણે કહ્યું હતું કે હું સ્વીકાર કરું છું અને એકેડેમીના નિર્ણયનું સ્વાગત કરું છું.