ઓપનહાઇમર ‘કલેક્શન’ની દ્રષ્ટિએ રોકી ઔર રાનીથી આગળ

નવી દિલ્હીઃ આ કદાચ પહેલી વાર છે કે એક હોલીવૂડ ફિલ્મ બોક્સ ઓફિસ પર કમાણીની દ્રષ્ટિએ બોલીવૂડની મલ્ટિસ્ટારર ફિલ્મથી આગળ છે. વળી, આ હોલીવૂડની ફિલ્મ કોઈ સુપરહીરોની ફેન્ટસી સંબંધિત નથી કે નથી એની જાહેરાત કરવામાં આવી.

ક્રિસ્ટોફર નોલનની ‘ઓપનહાઇમર’ કે જે એટમ બોમ્બ વિકસિત કરવા માટે ભૌતિક વિજ્ઞાની જે. રોબર્ટ ‘ઓપનહાઇમર’ની શોધ કરવા માટેની ફિલ્મ છે, જે ફિલ્મે પહેલા ત્રણ દિવસોમાં રણવીર સિંહ, આલિયા ભટ્ટ સ્ટારર ફિલ્મની તુલનામાં મબલક નાણાં કમાયાં છે.

‘ઓપનહાઇમર’માં ‘રોકી અને રાની’ જેવું નથી મ્યુઝિક કે નથી યશ ચોપરા જેવો શિફોન સાડીઓનો જાદુ કે નથી એમાં અનુભવી શબાના આઝમી અને ધર્મેન્દ્ર જેવી એક્ટિંગ – તેમ છતાં આ ફિલ્મ ધૂમ કમાણી કરી રહી છે. ‘ઓપનહાઇમર’ની વાર્તા એક ગંભીર થિમ આધારિત છે અને ભારતીય ફિલ્મપ્રેમીઓને પસંદ પડી રહી છે. આ ફિલ્મે પહેલા સપ્તાહમાં રૂ. 13.5 કરોડ (શુક્રવાર), રૂ. 16.5 કરોડ (શનિવાર) અને રૂ. 17.5 કરોડ (રવિવારે) કમાણી કરી હતી. આ પ્રકારે આ ફિલ્મે આશરે બોક્સ ઓફિસ કલેક્શન રૂ. 48 કરોડ કર્યું હતું. જોકે આ પ્રોડક્શન હાઉસના આંકડા છે.

બ્રિટન પછી ભારત ‘ઓપનહાઇમર’ માટે સૌથી મોટું આંતરરાષ્ટ્રીય માર્કેટ બની ગયું છે. આ ફિલ્મની 10 દિવસની કુલ કમાણી રૂ. 91.05 કરોડે પહોંચી છે. ‘ઓપનહાઇમર’ દેશમાં 1200 સ્ક્રીન્સ પર ચાલી રહી છે, જ્યારે ‘રોકી અને રાની’ ફિલ્મ દેશની 3200 સ્ક્રીન્સ પર ચાલી રહી છે. એમ છતાં ભારતમાં એનું પ્રારંભિક કલેક્શન સૌથી શ્રેષ્ઠ હોલીવૂડ ફિલ્મની પહેલા દિવસની કમાણી સાતમા સ્થાન પર છે.