અમિતાભ, અનુષ્કાની બાઈકસવારીનો વિવાદ થયો; મુંબઈ પોલીસ કાર્યવાહી કરશે

મુંબઈઃ બોલીવુડના મહાનાયક કહેવાતા અમિતાભ બચ્ચન અને અભિનેત્રી અનુષ્કા શર્મા-કોહલીએ ગઈ કાલે અલગ અલગ સમયે મોટરબાઈક પર પાછળની સીટ પર બેસીને સવારી કરી હતી, પરંતુ એનો વિવાદ થયો છે. બંને કલાકારે એમનાં પોતપોતાનાં શૂટિંગ સ્થળે પહોંચવા માટે બાઈક પર બેસવાનું પસંદ કર્યું હતું. તેના ફોટા ઈન્ટરનેટ પર વાઈરલ થયા છે.

અમિતાભ બચ્ચને એક અજાણ્યા બાઈકચાલક પાસે લિફ્ટ માગી હતી. પેલાએ એકદમ ખુશીથી એમને પોતાની બાઈક પર બેસાડ્યા હતા. અમિતાભને શૂટિંગ સ્થળે જલ્દી પહોંચવું હતું. રસ્તામાં ટ્રાફિક ઘણો હોવાને કારણે કારમાં સમયસર પહોંચી નહીં શકાય એવું એમને જણાતા એમણે બાઈકચાલક પાસે લિફ્ટ માગી હતી. બીજી બાજુ, અનુષ્કાએ તેનાં બોડીગાર્ડ સાથે બાઈક પર બેસીને સવારી કરી હતી. આ બંને કલાકારની આ સવારીનો વિવાદ એ થયો છે કે એમણે હેલ્મેટ પહેરી નહોતી. મુંબઈમાં ટ્રાફિક પોલીસે કાયદો બનાવ્યો છે કે મોટરબાઈક ચલાવનાર અને તેની પાછળ બેસનાર પેસેન્જરે પણ માથા પર હેલ્મેટ ફરજિયાત પહેરવી.

અમિતાભે પોતે જ એમનો બાઈક-સવારીવાળો ફોટો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો. પરંતુ ઈન્ટરનેટ યૂઝર્સે હેલ્મેટ ન પહેરીને નિયમનું ઉલ્લંઘન કરવા બદલ બંને કલાકારની ટીકા કરી છે અને કેટલાક મુંબઈ પોલીસને વિનંતી કરી છે કે તે બંને કલાકાર સામે પગલું ભરે. મુંબઈ ટ્રાફિક પોલીસ વિભાગ હવે આ બંને કલાકાર સામે કાર્યવાહી કરશે એવી ધારણા રખાય છે.