2023માં ગૂગલ પર સૌથી વધારે સર્ચ્ડ અભિનેત્રી ભારતીય છે, એ કોણ?

મુંબઈઃ વર્ષ 2023 વિદાય લેવા તરફ અગ્રેસર છે. ગૂગલ સર્ચ એન્જિને ‘યર ઈન સર્ચ 2023’ રિલીઝ કર્યું છે. આમાં એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર દુનિયાભરના તમામ ટોચના સર્ચ ટ્રેન્ડ્સની વિગતો છે. ગૂગલે વિગતોને યાદીબદ્ધ રજૂ કરી છે, જેમ કે, સૌથી વધારે સર્ચ કરાયેલા અભિનેતાઓ, સૌથી વધારે સર્ચ કરાયેલી ફિલ્મો, સમાચાર ઘટનાઓ, સ્પોર્ટ્સ સ્પર્ધા તથા બીજું ઘણું બધું. આ યાદીઓ જોતાં કેટલાક પરિણામો ધારણા મુજબના જણાયા છે, કારણ કે આખું વર્ષ એ વ્યક્તિઓ સોશિયલ મીડિયા પર છવાઈ ગઈ છે. જ્યારે કેટલાક નામોએ આશ્ચર્ય જગાડ્યું છે. દુનિયામાં સૌથી વધારે સર્ચ કરાયેલી ફિલ્મ અભિનેત્રીઓની યાદીમાં ટોચ પર એક ભારતીય અભિનેત્રીનું નામ છે, જેણે માર્ગોટ રોબી, ગેલ ગેડોટ જેવી દિગ્ગજ અભિનેત્રીઓને પરાસ્ત કરી છે.

ગૂગલ પર વર્ષ 2023માં સૌથી વધુ સર્ચ કરાયેલી ફિલ્મ અભિનેત્રી છે એક બોલીવુડ કલાકાર. તે રશ્મિકા મંદાના, આલિયા ભટ્ટ, દીપિકા પદુકોણ કે ઐશ્વર્યા રાય-બચ્ચન નથી, પણ કિયારા અડવાની છે. સહ-કલાકાર સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે લગ્ન કરનાર અને હાલમાં જ જેની ફિલ્મ રિલીઝ થઈ હતી – ‘સત્યપ્રેમ કી કથા’, તે કિયારા આ વર્ષમાં વિશ્વસ્તરે છવાયેલી રહી. ગૂગલ પર મોસ્ટ સર્ચ્ડ ફિલ્મ કલાકારોની ગ્લોબલ યાદીમાં પુરુષ અભિનેતાઓનું વર્ચસ્વ રહ્યું. જેરેમી રેનર ટોચ પર રહ્યો. ટોપ-10માં માત્ર બે જ અભિનેત્રી છે – જેના ઓર્ટેગા અને કિયારા અડવાની.

જેના ઓર્ટેગાએ આ વર્ષમાં એકેય ફિલ્મમાં કામ કર્યું નથી એટલે 2023માં ગૂગલ પર વિશ્વસ્તરે સૌથી વધુ સર્ચ કરાયેલી ફિલ્મ અભિનેત્રી બની છે કિયારા. આ વર્ષે જેની ‘બાર્બી’ ફિલ્મ રિલીઝ થઈ હતી તે માર્ગોટ રોબી પણ કિયારા સામે હારી ગઈ છે. ગેલ ગેડોટ (હાર્ટ ઓફ સ્ટોન) પણ તેનાથી યુવા ભારતીય અભિનેત્રી સામે હારી ગઈ છે. પ્રિયંકા ચોપરા-જોનસ, દીપિકા પદુકોણ, આલિયા ભટ્ટ વિશ્વસ્તરે લોકપ્રિય છે, પણ ટોપ-10 સર્ચ્ડ અભિનેત્રીઓની યાદીમાં તેઓ પ્રવેશ પામી શકી નથી.

કિયારા અને સિદ્ધાર્થે આ વર્ષે રાજસ્થાનમાં લગ્ન કર્યા હતા. ગૂગલ સર્ચમાં આ બેઉ કલાકાર ટોચ પર રહ્યાં છે. આ વર્ષે કિયારા અને કાર્તિક આર્યન અભિનીત ‘સત્યપ્રેમ કી કથા’ ફિલ્મ રિલીઝ થઈ હતી. બોક્સ ઓફિસ પર આ ફિલ્મે સારો દેખાવ કર્યો હતો. કિયારાની નવી ત્રણ ફિલ્મ આવી રહી છે – રામ ચરન સાથે ‘ગેમ ચેન્જર’, હૃતિક રોશન અને જુનિયર એનટીઆર સાથે ‘વોર-2’.